સામાન્ય રીતે પિતા દીકરી માટે યોગ્ય પાત્ર શોધે ત્યારે વ્યવસાય, આવક, પરિવાર વિશે પૂછે છે. પરંતુ એક પિતાએ માત્ર એક જ પ્રશ્ન પૂછ્યો”મારી દીકરી સરસ ગાય છે… શું તમે તેને લગ્ન પછી પણ ગાવાનું ચાલુ રાખવા દેશો?” આ એક પ્રશ્ન પાછળ છુપાયેલો હતો દીકરીના સપનાઓ પરનો અતૂટ વિશ્વાસ. આજે એ જ વિશ્વાસનું નામ છે સ્તુતિ દોશી.આ પિતાનો અડગ વિશ્વાસ આજે સુરતના વેસુ ગામની સ્તુતિ દોશીને ભક્તિ સંગીતના ક્ષેત્રમાં એક આગવી ઓળખ અપાવી રહ્યો છે.દીકરી માટેના સ્ટ્રોંગ પિલર બનતા આ પિતાએ દીકરીની કારકિર્દી માટે રાત દિવસ જોયા નથી અને દીકરીએ પણ પિતાના પરિશ્રમને સફળતામાં પલટાવ્યો છે.
જૈન પરિવારમાં જન્મેલી સ્તુતિ, વિજયભાઈ દોશી અને નયનાબેન દોશીની એકમાત્ર દીકરી છે. બે ભાઈઓ વચ્ચે ઉછરેલી આ દીકરીને પિતાના વિશેષ લાડ અને અવિરત પ્રોત્સાહન મળ્યું. નાનપણથી જ સંગીત પ્રત્યે અનોખો લગાવ હતો. શાળામાં પ્રાર્થના ગાવાની તક મળે ત્યારે શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેમના મધુર કંઠના વખાણ કરતાં. કોઈ ઔપચારિક તાલીમ લીધા વિના જ તેમના સ્વરમાં એવી મીઠાશ હતી કે જાણે સરસ્વતી જ તેમના કંઠમાં બિરાજતી હોય.ધોરણ 12 દરમિયાન મોટાભાઈની દીક્ષાની તૈયારી અને માતાના નબળા સ્વાસ્થ્યને કારણે અભ્યાસમાં અડચણો આવી. પરંતુ ઘણીવાર જીવન જે રસ્તો બંધ કરે છે, ત્યાંથી જ નવી દિશા ખુલતી હોય છે. અભ્યાસમાં આવેલી આ અડચણે સ્તુતિ માટે સંગીતનો માર્ગ વધુ વિશાળ બનાવી દીધો.
કાર્યક્રમો માટે બહાર જવાનું થાય કે પુરુષ કલાકારો સાથે મંચ પર ગાવાનો પ્રસંગ આવે, ત્યારે સમાજની ટીકાઓ સામે તેમના પિતા હંમેશા મજબૂત ઢાલ બની ઊભા રહ્યા. સ્તુતિ કહે છે, “દરેક કાર્યક્રમમાં પપ્પા મારી સાથે જ રહેતા. હું સ્ટેજ પર જાઉં એ પહેલાં તેઓ સ્થળ પર પહોંચી તમામ વ્યવસ્થા સંભાળી લેતા. મારી નજર હંમેશા તેમને જ શોધતી.”
સમય હંમેશા એક સરખો રહેતો નથી. લગભગ 11 મહિના પહેલાં તેમના પિતાને બ્રેઇન સ્ટ્રોક આવ્યો અને જમણા અંગમાં પેરાલિસિસ થઈ ગયો. આ જીવનનો સૌથી મોટો આઘાત હતો. અનેક કાર્યક્રમો રદ કરવા પડ્યા અને એક સમયે તો સંગીત છોડવાનો પણ વિચાર આવ્યો.તેમના વગરના કાર્યક્રમની તો કલ્પના પણ ન થાય પરંતુ આ મુશ્કેલ સમયમાં બંને ભાઈઓ અને પતિ કેયુર શાહ તેમની સૌથી મોટી શક્તિ બન્યા. તેમના પ્રોત્સાહનથી હું ફરી સંગીત સાથે જોડાઈ. આજે પિતા પથારીવશ છે, છતાં તેમના મૌન આશીર્વાદ દરેક કાર્યક્રમમાં સાથે રહે છે.
તેમનું માનવું છે કે હું જે કાંઈ છું તે ભગવાનના કારણે છું તેથી મારો દરેક સૂર પ્રભુના ચરણમાં અર્પણ કરું છું.તેઓ ફક્ત ભક્તિ સંગીતના જ કાર્યક્રમો કરે છે જેમ કે પર્યુષણમાં ભક્તિ, દીક્ષામાં સાંજી, મહેંદી રસમ,મૂર્તિ પ્રતિષ્ઠામાં તેમજ પ્રાર્થના સભા,બેબી શાવર તેમજ ઘણી સંસ્કાર શિબિરોમાં પણ ભક્તિ ગીત ગાય છે. નવરાત્રી કે લગ્નગીતો ગાવા માટે તેઓ સ્પષ્ટપણે મનાઈ કરે છે.
એક વખત તેમના ભક્તિ કાર્યક્રમથી પ્રભાવિત થયેલા આયોજકોએ નવરાત્રીમાં ગાવા માટે આમંત્રણ આપ્યું. સ્તુતિએ ના પાડી તો તેમને કોરો ચેક આપવાની પણ તૈયારી દર્શાવી. છતાં તેમણે પોતાના સિદ્ધાંતો સાથે કોઈ સમાધાન કર્યું નહીં.તેઓ જણાવે છે કે ભગવાનની કૃપાથી મહિનાના લગભગ અડધા દિવસો કાર્યક્રમોમાં વ્યસ્ત હોવ છું. મારો ઉદ્દેશ વધુમાં વધુ લોકોને પ્રભુભક્તિ સાથે જોડવાનો છે.હાલ જૈન મુનિ ભગવંતોએ રચેલા પ્રાચીન સ્તવનોને આધુનિક સંગીતના સ્પર્શ સાથે નવી પેઢી સુધી પહોંચાડવાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર પણ કાર્ય કરી રહી છું. સુરત, મુંબઈ, અમદાવાદ, રાજકોટ અને રાજસ્થાન સહિત અનેક સ્થળોએ નિયમિત કાર્યક્રમો હોય છે.પ્રભુ ભક્તિના કાર્યક્રમમાં એક અલગ પ્રકારની ઉર્જા લોકો અનુભવે છે.વડીલો ભાવુક થઈ જાય છે.ખૂબ આગળ વધવાના આશીર્વાદ આપે છે.કોઈની આંખમાં આંસુ હોય છે તો કોઈને કંઠમાં સરસ્વતી દેવીનો વાસ લાગે છે. આ જ મારી સાચી કમાણી છે.ઘણીવાર એક વખત કાર્યક્રમ ગમે એટલે ફરીવાર આમંત્રણ આપે.
લગ્ન પહેલાં પિતા તેમની પાછળ મજબૂત દિવાલ બનીને ઊભા રહ્યા, તો આજે પતિ કેયુર શાહ, સાસુ હીનાબેન શાહ અને સસરા વિજયભાઈ શાહ એ જ વિશ્વાસ સાથે તેમની સાથે છે.
સ્તુતિ પોતાની સફળતાનું શ્રેય બંને પરિવારજનો ઉપરાંત પોતાના ગુરુ ભક્તિયોગાચાર્ય પૂજ્ય યશોવિજય સુરીશ્વરજી મહારાજ સાહેબ તથા ભાઈ મહારાજ પૂજ્ય જિનવત્સલ વિજયજી મહારાજ સાહેબના આશીર્વાદને આપે છે.
તેઓ કહે છે, “માતા-પિતાએ આપેલા સંસ્કારોને જીવનભર જાળવી રાખી, ભક્તિ સંગીત દ્વારા સમાજની સેવા કરવી અને બંને પરિવારોને સાથે રાખીને સતત આગળ વધવું એ જ મારું સ્વપ્ન છે.”સ્તુતિ દોશીને ખૂબ ખૂબ શુભકામનાઓ કેટલીક સફળતાઓ એવોર્ડથી નહીં, પરંતુ સંસ્કારોથી માપવામાં આવે છે. સ્તુતિ દોશીની સફળતા માત્ર મધુર અવાજની નથી, પરંતુ એક એવા પિતાના વિશ્વાસની છે, જેણે દીકરીના સપનાને પોતાની સૌથી મોટી જવાબદારી બનાવી દીધી. કદાચ એટલે જ આજે તેમના દરેક સૂરમાં ભક્તિ છે, સંસ્કાર છે અને પિતાના આશીર્વાદનો અહેસાસ છે.
“ચાલતા નહીં… ઉડતા શીખો”
બહેનોને સંદેશ આપતાં સ્તુતિ દોશી કહે છે, “માત્ર ચાલવાનું નહીં, ઉડવાનું શીખો. તમારો સ્વાભિમાન જાળવો, આત્મનિર્ભર બનો અને એવા સપના જુઓ, જેને તમારી મહેનત, લગન અને સંકલ્પથી સાકાર કરી શકો.”
