પુસ્તકો નથી તો શું ભણાવશો? ઇટાલિયાના સવાલ બાદ અધિકારીઓએ વિસાવદરની મુલાકાત ટાળી

આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જિલ્લા ફરિયાદ સમિતિની બેઠકમાં વિસાવદરની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો ન મળવાના મુદ્દે આક્રમક રજૂઆત કરતા આ મામલો ગાંધીનગર…

આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જિલ્લા ફરિયાદ સમિતિની બેઠકમાં વિસાવદરની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો ન મળવાના મુદ્દે આક્રમક રજૂઆત કરતા આ મામલો ગાંધીનગર સુધી ગુંજ્યો છે. સરકારના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગરથી એક આઈપીએસ અને એક આઈએએસ સહિત કુલ બે ઉચ્ચ અધિકારીઓ વિસાવદર આવવાના હતા, પરંતુ શાળામાં પુસ્તકો નથી તો બાળકોને પ્રવેશ આપીને શું ભણાવશો? તેવા સવાલ સાથે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ શાળા પ્રવેશોત્સવ અને પુસ્તકોના મુદ્દે વહીવટી તંત્રને ઘેરતા સમગ્ર મામલાની અસર ગાંધીનગર સુધી પહોંચી હોવાનું સામે આવ્યું છે.

20 તારીખે શનિવારે બપોરે 11 વાગ્યે જૂનાગઢ ખાતે યોજાયેલી જિલ્લા ફરિયાદ સમિતિની બેઠકમાં તેમણે સત્ર શરૂૂ થયા બાદ પણ શાળાઓમાં પુસ્તકો ઉપલબ્ધ ન હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભાર વગરના ભણતરના બદલે પુસ્તક વગરનું ભણતર થઈ રહ્યું હોવાની રજૂઆત બાદ એ જ દિવસે સાંજ સુધીમાં ઉચ્ચ અધિકારીઓએ ઈ-મેઇલ દ્વારા વિસાવદર આવવાની ના પાડી હોવાનું જાણવા મળ્યું છે.

શાળા પ્રવેશોત્સવમાં હાજરી આપવા માટે આઈપીએસ વિશાલ વાઘેલા અને આઈએએસ બી.પી. ચૌહાણની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ સરકારી શાળાઓમાં પુસ્તકોના મુદ્દે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના આકરા વલણ અને રજૂઆત બાદ ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓએ વિસાવદરની મુલાકાત ટાળી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ સમગ્ર ઘટનાના પડઘા જૂનાગઢ જિલ્લાના શિક્ષણતંત્ર સુધી પહોંચ્યા છે. સરકારી શાળાના બાળકોને તાત્કાલિક ધોરણે પાઠ્યપુસ્તકો અને સ્વાધ્યાયપોથી ઉપલબ્ધ થાય તે માટે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *