સમાજ સર્વસંમતિથી અધ્યક્ષની જવાબદારી સોંપશે તો સ્વીકારીશ, ચૂંટણી નહીં લડું: કુંવરજી બાવળિયા

ગુજરાતમાં કોળી સમાજ ઉપર પ્રભુત્વ જમાવવા બે જૂથો વચ્ચે કોલ્ડવોર શરૂ થઇ છે અને કોળી સમાજના નેતાઓ કુંવરજી બાવળીયા તથા હીરાભાઇ સોલંકીએ દિલ્હીમાં સમાંતર સંમેલનો…

ગુજરાતમાં કોળી સમાજ ઉપર પ્રભુત્વ જમાવવા બે જૂથો વચ્ચે કોલ્ડવોર શરૂ થઇ છે અને કોળી સમાજના નેતાઓ કુંવરજી બાવળીયા તથા હીરાભાઇ સોલંકીએ દિલ્હીમાં સમાંતર સંમેલનો યોજયા બાદ કુંવરજી બાવળીયાના સુર બદલાયા છે અને તેમણે જાહેર કર્યુ છે કે, સમાજ સર્વસંમતિથી મને ફરીથી અધ્યક્ષની જવાબદારી સોંપશે તો જ હું સ્વીકારીશ કોળી સમાજના અધ્યક્ષની ચૂંટણી નહીં લડું છેલ્લા કેટલાક સમયથી અખિલ ભારતીય કોળી સમાજના સર્વોચ્ચ અધ્યક્ષ પદને લઈને ચાલી રહેલા આંતરિક વિવાદો, જૂથબંધી અને ખેંચતાણના મામલે પણ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ તમામ અટકળોનો અંત આણતું મોટું નિવેદન આપ્યું હતું. હું કોઈ નવો ચહેરો નથી, હું અગાઉ પણ અખિલ ભારતીય કોળી સમાજમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે લાંબા સમય સુધી સફળતાપૂર્વક અને ગૌરવપૂર્વક જવાબદારી નિભાવી ચૂક્યો છું. બંધારણીય અને વર્તમાન વહીવટી પરિસ્થિતિ મુજબ હજુ આગામી 6 મહિના સુધી હું જ આ પદ પર સત્તાવાર રીતે રહેવાનો છું.

આ નિર્ધારિત 6 મહિનાના મર્યાદિત કાર્યકાળ દરમિયાન સમાજના સંગઠનને રાષ્ટ્રીય સ્તરે લોકશાહી ઢબે મજબૂત કરવા માટે ઇલેક્શન, સિલેક્શન અને નવી સત્તાવાર મતદાર યાદી તૈયાર કરવાની કાયદાકીય પ્રક્રિયાઓ મારા સીધા માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરવામાં આવશે. મારા કાર્યકાળમાં જે નવી અને સુધારા વાળી મતદાર યાદી તૈયાર થવાની છે, તેના આધારે હું પોતે ભવિષ્યમાં કોઈ ચૂંટણી લડવાનો નથી. જો સમગ્ર કોળી સમાજના આગેવાનો, વડીલો અને કાર્યકરો એકતા બતાવીને, કોઈ પણ પ્રકારના આંતરિક વિખવાદ વગર સર્વ સંમતિથી મને ફરીથી અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપશે, તો જ હું સમાજના હિતમાં તેનો સ્વીકાર કરીશ. જો સમાજમાં ખેંચતાણ હશે તો હું સામેથી કોઈ ચૂંટણી લડવા કે પદ મેળવવા માટે દાવેદારી કરવાનો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *