મોદી સરકાર ધારે તો કાલથી મહિલા અનામતનો અમલ કરી શકે

લોકસભામાં મહિલા અનામતના બિલ સાથે જોડાયેલા ત્રણ બિલ પૈકી પહેલા બિલ પરના મતદાનમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની હારે સોપો પાડી દીધો છે. આ બંધારણીય સુધારા…

લોકસભામાં મહિલા અનામતના બિલ સાથે જોડાયેલા ત્રણ બિલ પૈકી પહેલા બિલ પરના મતદાનમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની હારે સોપો પાડી દીધો છે. આ બંધારણીય સુધારા બિલ હોવાથી લોકસભામાં બે તૃતીયાંશ સભ્યોનો ટેકો જરૂરી હતો પણ મોદી સરકારનો પનો ટૂંકો પડી ગયો. ભાજપ સરકાર પહેલી વાર કોઈ બિલ લોકસભામાં પસાર ના કરાવી શકી.કોંગ્રેસ સહિતના વિપક્ષોનું કહેવું છે કે, મોદી સરકાર જે ત્રણ બિલ લાવી તેને મહિલા અનામત સાથે કંઈ લેવાદેવા નથી.

મહિલાઓ માટે લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં 33 ટકા બેઠકો અનામત રાખવાનું બિલ તો પહેલાં જ સંસદના બંને ગૃહોમાં પસાર થઈ ગયું છે, રાષ્ટ્રપતિની તેના પર સહી થઈ ગઈ છે અને કેન્દ્રીય કાયદા મંત્રાલયે 16 એપ્રિલ 2016 થી તેનો અમલ કરવાનું નોટિફીકેશન પણ બહાર પાડી દીધું હોવાથી મહિલા અનામતનો મુદ્દો તો કયારનોય પતી ગયો છે.આ આક્ષેપો અને પ્રતિઆક્ષેપો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાત્રે દેશને સંબોધન કર્યુ. આ સંબોધનમાં મોદીએ એ જ આક્ષેપો દોહરાવ્યા છે. કોંગ્રેસ મહિલા વિરોધી છે તેથી મહિલા અનામત અમલમાં વિઘ્ન નાખી રહી છે એવા આક્ષેપો મોદીએ કર્યા. સામે કોંગ્રેસે પણ વળતો પ્રહાર કરીને મોદી દેશ સામે જુઠું બોલી રહ્યાં છે એવો દાવો કરતાં પાછા રાજકીય દાવપેચ શરૂ થઈ ગયા છે.

આ દાવપેચમાં મહિલાઓને લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં ખરેખર 33 ટકા અનામત મળશે કે નહીં એ મુદ્દો બાજુ પર રહી ગયો છે અને કોઈ પક્ષ તેની વાત કરતો નથી.મોદી સરકારેને તેનો અંદેશો આવી ગયેલો તેથી મતદાનની આગલી રાતે મહિલા અનામત બિલના અમલમાં બાકી રહેલી વિધિ પતાવીને તેનું જાહેરનામું બહાર પડાવી દીધેલું. વિપક્ષો સરકારની ધારણા પ્રમાણે જ વર્ત્યા અને સાગમટે પહેલા બિલ સામે કચકચાવીને મતદાન કરીને તેને પસાર ના થવા દીધું તેમાં આપોઆપ જ બાકીનાં બે બિલોનો વીંટો વળી ગયો પણ મહિલા અનામત બિલ અમલમાં આવી ગયું છે. ભાજપ લોકસભાની બેઠકો વધારવાનું બિલ દૂધ અને દહીં બંનેમાં પગ રાખવા લાવેલો. મહિલા અનામતના કારણે પુરુષ નેતાઓની ટિકિટો કપાય નહીં ને મહિલાઓ પણ રાજીના રેડ થઇને ભાજપ પર રીઝી જાય એવી ભાજપની ગણતરી હતી. વિપક્ષી એકતાએ આ ગણતરી ઊંધી વાળી દીધી છે ત્યારે રાજકીય જોખમ વહોરીને પણ ભાજપે મહિલા અનામતનો અમલ કરી નાખવા જેવો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *