તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં ચાલી રહેલા આંતરિક વિવાદોને લઈને સુપ્રીમ કોર્ટે બે અલગ-અલગ કેસમાં મહત્વની સુનાવણી હાથ ધરી છે. પ્રથમ કેસમાં, સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ વિધાનસભાના સ્પીકરને રીતબ્રતા બેનર્જી જૂથના 10 બળવાખોર TMC ધારાસભ્યો સામેની ગેરલાયકાતની અરજીઓ પર 8 ઓક્ટોબર, 2026 સુધીમાં નિર્ણય લેવા વિનંતી કરી છે.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તની અધ્યક્ષતાવાળી ખંડપીઠે મમતા બેનર્જી જૂથના સોહનદેબ ચેટરજી દ્વારા દાખલ કરવામાં આવેલી રિટ પિટિશનનો નિકાલ કરતા આ નિર્દેશ આપ્યો હતો. અરજદારે દલીલ કરી હતી કે ગેરલાયકાતની અરજીઓ પર નિર્ણય લેવામાં વિલંબ થઈ રહ્યો છે. કોર્ટે અગાઉના કેશમ મેઘચંદ્ર સિંહ કેસના ચુકાદાને ટાંકીને કહ્યું કે આવી અરજીઓનો નિર્ણય વાજબી સમયમાં, એટલે કે અંદાજે ત્રણ મહિનામાં લેવાવો જોઈએ. કોર્ટે નોંધ્યું કે આ 10 ધારાસભ્યો (જેમાં અરૂૂપ રોય, રીતબ્રતા બેનર્જી, ફિરહાદ હકીમ વગેરે સામેલ છે) સામે 8 જુલાઈએ અરજી કરવામાં આવી હતી, તેથી સ્પીકરે 8 ઓક્ટોબર સુધીમાં નિર્ણય લેવો જોઈએ.
બીજી તરફ, મમતા બેનર્જી અને રીતબ્રતા બેનર્જી વચ્ચે પાર્ટીના નામ અને ’ફૂલ અને ઘાસ’(Flowers Grass)ના ચૂંટણી ચિન્હને લઈને ચાલી રહેલા વિવાદ અંગે પણ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ (ECI) ને આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ECIને આ પ્રતીક વિવાદનો વહેલી તકે ઉકેલ લાવવા જણાવ્યું છે અને ટિપ્પણી કરી છે કે ’શિવસેના કેસમાં વિલંબથી શું થાય છે તે આપણે જોયું છે’. ઉલ્લેખનીય છે કે, અગાઉ ECIએ વચગાળાનો આદેશ આપીને બંને જૂથોને ’ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ’ નામ અને પાર્ટીના ચૂંટણી ચિન્હનો ઉપયોગ કરતા રોકી દીધા હતા, જેને મમતા બેનર્જીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
