ભારતમાં શાળામાં ભણાવવાનાં પાઠ્યપુસ્તકો તૈયાર કરતી સંસ્થા નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (એનસીઈઆરટી)ના ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં ‘ન્યાયિક ભ્રષ્ટાચાર’ એટલે કે જ્યુડિશિયલ કરપ્શનનું પ્રકરણ સમાવાયું એ મુદ્દે બબાલ થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાન્તે ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર હોવાનું સ્કૂલનાં છોકરાંને ભણાવાય તેની સામે આક્રોશ ઠાલવ્યો તેના પગલે જ્યુડિશિયલ કરપ્શન ચેપ્ટરવાળા પુસ્તક પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. કપિલ સિબલે સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દો ઉઠાવ્યો તેના પગલે ચીફ જસ્ટિસ સૂર્યકાન્તે ભારે નારાજગી વ્યક્ત કરીને કહ્યું કે, દુનિયામાં કોઈને પણ ન્યાયતંત્રને બદનામ કરવાની મંજૂરી આપવામાં નહીં આવે. જસ્ટિસ સૂર્યકાન્તે તો ન્યાયતંત્રને બદનામ કરવાનું ષયંત્ર રચાયું હોવાની આશંકા વ્યક્ત કરીને એમ પણ કહ્યું કે, આ પ્રકરણનો સમાવેશ સારી રીતે વિચારીને લેવાયેલો નિર્ણય લાગે છે એ જોતાં આ કેસ હું જાતે જ સાંભળીશ.
આ પુસ્તકમાં માત્ર ન્યાયતંત્રમાં જ ભ્રષ્ટાચાર હોવાનો ઉલ્લેખ છે તેની સામે પણ સુપ્રીમ કોર્ટે વાંધો લીધો છે. રાજકારણ, વહીવટીતંત્ર કે જાહેર જાહેર જીવનમાં ભ્રષ્ટાચાર વિશે એક શબ્દ પણ નથી તેની સામે પણ સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટની આ વાત સાવ સાચી છે. ભારતમાં ભ્રષ્ટાચાર સર્વવ્યાપી છે અને રાજકારણ તથા વહીવટીતંત્ર તો ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે છતાં તેમના ભ્રષ્ટાચાર વિશે કશું ના કહેવાય ને માત્ર ન્યાયતંત્રના ભ્રષ્ટાચારના પાઠ ભણાવાય એ પૂર્વગ્રહ પ્રેરિત તો કહેવાય જ. અલબત્ત બીજાં ક્ષેત્રોના ભ્રષ્ટાચારની વાત નથી કરી તેનો મતલબ એ નથી કે, ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાક નથી.
માત્ર ન્યાયતંત્રનો ઉલ્લેખ કરાયો તેથી માનનીય ચીફ જસ્ટિસ અને બીજા ન્યાયાધીશોને ભલે લાગી આવ્યું પણ આપણું ન્યાયતંત્ર સાવ દૂધે ધોયેલું તો નથી જ. આ વાત ન્યાયતંત્રમાં કામ કરી ચૂકેલા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સહિતના દિગ્ગજો કહી ચૂક્યા છે. આ દેશમાં હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને ભ્રષ્ટાચાર બદલ હોદ્દા પરથી દૂર કરાયા હોય કે પછી તગેડી મુકાય તેની બદનામીથી બચવા માટે ન્યાયાધીશે પોતે રાજીનામું ધરી દીધું હોય એવા કેટલાય કિસ્સા પણ નોંધાયેલા છે.
જસ્ટિસ રામાસ્વામીને સંસદીય સમિતિએ નાણાકીય ગેરરીતિઓ માટે દોષિત ઠેરવ્યા હતા. તેના પગલે તેમને દૂર કરવા માટે ઈમ્પિચમેન્ટ એટલે કે મહાભિયોગ કાર્યવાહી કરાયેલી. ભારતના ઈતિહાસમાં મહાભિયોગની કાર્યવાહીનો સામનો કરનારા જસ્ટિસ રામાસ્વામી સુપ્રીમ કોર્ટના પહેલા ન્યાયાધીશ છે. રાજકીય કારણોસર જસ્ટિસ રામાસ્વામીને દૂર કરવાનો પ્રસ્તાવ સંસદમાં ઊડી ગયેલો પણ સંસદીય સમિતિએ તેમને દોષિત ઠેરવેલા તેથી ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર છે એ તો સાબિત થયેલું જ. 2011માં કોલકાતા હાઇ કોર્ટના જસ્ટિસ સૌમિત્ર સેને ભંડોળના દુરુપયોગના દોષી સાબિત થયા પછી તેમની સામે પણ ઈમ્પિચમેન્ટ મોશન લવાયેલી પણ કાર્યવાહીના થોડા સમય પહેલાં રાજીનામું આપીને તેમણે આબરુ બચાવી લીધેલી.
જસ્ટિસ યશવંત વર્માનો કિસ્સો તો તાજો જ છે. માર્ચ 2025માં, દિલ્હી હાઈ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માના ઘરે આગ લાગી ત્યારે જંગી પ્રમાણમાં બિનહિસાબી રોકડ મળી આવી હતી. સ્ટોર રૂૂમમાં રખાયેલી ઘણી નોટો અડધી બળી ગઈ હતી. દિલ્હી હાઈ કોર્ટના ચીફ જસ્ટિસે ધ્યાન દોર્યું છતાં સુપ્રીમ કોર્ટે ભીનું સંકેલીને જસ્ટિસ વર્માને બચાવવા ફાફાં માર્યાં હતાં. આ વાત મીડિયામાં આવી ગઈ ને બળેલી ચલણી નોટોના વીડિયો વાયરલ થયા પછી સુપ્રીમ કોર્ટે પગલાં લેવાં જ પડે તેમ હતાં છતાં વર્માને બચાવવાના ભરપૂર પ્રયત્નો થયા.
સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રૂૂમા પાલે તો ઉચ્ચ ન્યાયતંત્રમાં પ્રવર્તતાં સેવન સિન્સ એટલે કે સાત પાપની વાત કરીને ભારે ખળભળાટ મચાવેલો. જસ્ટિસ રૂૂમા પાલના કહેવા પ્રમાણે, સાથી જજના અન્યાયી વર્તન પ્રત્યે આંખ આડા કાન કરવા, ન્યાયિક સ્વતંત્રતાના ધોરણોને વિકૃત બનાવીને દંભ કરવો, હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂકમાં પારદર્શકતાનો અભાવ, સુપ્રીમ કોર્ટના જજ દ્વારા જૂના ચુકાદાઓમાંથી બેઠા ફકરા ઉઠાવીને મૂકી દેવાની ચોરી, ન્યાયતંત્રના ભ્રષ્ટાચારને રોકવા માટેના ધમપછાડા, જજોમાં પ્રોફેશનલ ક્ષમતાનો અભાવ અને ભાઈ-ભત્રીજાવાદ એ સાત પાપ પ્રવર્તે છે. ઘણા નિવૃત્ત ન્યાયાધીશોએ આ વાતમાં સૂર પુરાવ્યો હતો. 2016માં તો સુપ્રીમ કોર્ટના ચાર જજે પ્રેસ કોન્ફરન્સ કરીને ચીફ જસ્ટિસ સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરીને સનસનાટી મચાવી દીધેલી. આ બધી ઘટનાઓ આપણી નજર સામે છે ને એ છતાં ચીફ જસ્ટિસને લાગે છે કે, ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર છે એવું સ્થાપિત કરવા પાછળ કોઈ કાવતરું છે તો તેનો કોઈ ઉપાય નથી.
