ચૌધરી યુવાન સાથે પ્રેમલગ્નના વિવાદ વચ્ચે લોકગાયિકા કિંજલ રબારીએ અંતે મૌન તોડ્યું
સોશિયલ મીડિયામાં ખોટી અફવા નહીં ફેલાવવા કરી અપીલ
છેલ્લા ત્રણેક દિવસથી ગુજરાતી લોકગાયિકા કિંજલ રબારીના આંતરલગ્નને લઈને ચાલતો વિવાદ આખરે સમાજના આગેવાનોની મધ્યસ્થી બાદ સમી ગયો છે. એવામાં પોતાના પરિવાર પાસે પહોંચેલી કિંજલ રબારીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં લોકગાયિકાએ સોશિયલ મીડિયામાં પોતાના વિશે ફેલાતી અફવાઓથી દૂર રહેવા પોતાના ચાહકોને વિનંતી કરી છે.
રબારી અને ચૌધરી સમાજના આગેવાનો દ્વારા વાતચીતના અંતે કિંજલ રબારીને પોતાના પરિવારજનોને સોંપવામાં આવી હતી. જે બાદ આજે કિંજલ રબારી દ્વારા પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો મૂકીને જણાવ્યું છે કે, મે મારી રાહ ભટકીને જે પગલું ભર્યું હતુ, તે ખોટું હતુ. હવે હું મારા પરિવાર પાસે આવી ગઈ છું.
હું કાયમ માટે હળીમળીને મારા પરીવાર સાથે રહેવા માંગુ છું. આથી મારી સમાજના તેમજ ચાહકોને વિનંતી છે કે, મારા નામે ફેલાયેલી કોઈ અફવાઓ ધ્યાન ના આપશો. મારા માલધારી સમાજના દરેક આગેવાનોને અને ભાઈઓને અને સર્વે આઢારે આલમના મારા ચાહક મિત્રોને વિનંતી કરવા માગું છું કે, કોઈએ મારા વીસે ખોટી વાતો કે અફવાઓ ફેલાવવી નહીં. તેમજ કોઈએ મારા વિશે ખોટી વાતો આફવાઓમાં આવવું નહીં. મારા નામે જે પણ અન્ય સોશિયલ મીડિયાના એકાઉન્ટ ચલાવી રહ્યા છે, તે તમામને મારા આગળના વીડિયોને ડિલીટ કરવા સાથે અન્ય કોઈ ખોટા અઈંથી બનાવેલા ફોટો કે વીડિયો નહીં મૂકવા વિનંતી. હકીકતમાં કિંજલ રબારીએ ચૌધરી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં.
જે બાદ કિંજલ રબારીએ સોશિયલ મીડિયામાં વીડિયો મૂકીને પોતાની મરજીથી લગ્ન કર્યાં હોવાનું જણાવ્યું હતુ. આ સાથે જ પોતાને મારી નાંખવાની અને ઉપાડી જવાની ધમકી મળતી હોવાથી કિંજલ રબારીએ શંકર ચૌધરી અને હર્ષ સંઘવી પાસે મદદ માંગી હતી. જે બાદ સમાજ દ્વારા સોશિયલ મીડિયામાં ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. આખરે બન્ને સમાજના આગેવાનો દ્વારા બેઠકોને અંતે કિંજલ રબારીને તેના પરિવારને સોંપવામાં આવી હતી.
ચૌધરી અને પાટીદાર સમાજે પણ રબારી સમાજ પાસે દીકરીઓ પરત માગી
કિંજલ રબારીના પ્રકરણ બાદ 2 કિસ્સા સામે આવ્યા છે, જેમાં ખેડા, બનાસકાંઠાના પરિવારોએ રબારી સમાજના આગેવાન ઠાકરશી રબારીને પોતાની દીકરી ઘરે પરત અપાવવા માંગ કરી છે. ખેડામાં પટેલ પરિવારની દીકરીએ રબારી સમાજમાં લગ્ન કર્યા છે. તો બનાસકાંઠામાં ચૌધરી પરિવારની દીકરીએ પણ રબારી સમાજમાં પ્રેમલગ્ન કર્યા છે. બનાસકાંઠામાં ચૌધરી પરિવારની દીકરી મુદ્દે ઠાકરશી રબારીએ હાથ અદ્ધર કર્યા છે. તેઓએ સ્પષ્ટ કહી દીધું કે, આ 2 વર્ષ જૂનો કિસ્સો છે, એમા હું કઈ ન કરી શકું. એ દીકરીને એક વર્ષનું સંતાન પણ છે. જે-તે સમયે કહ્યું હોત તો મદદ કરી શકત. તો બીજી તરફ, ઠાકરશીએ ખેડાના કિસ્સામાં મદદની તૈયારી દર્શાવી છે. તેમણે કહ્યું કે, અમારાથી થઈ શકતી હોય તેટલી મદદ કરીશું. જે-તે સમાજના આગેવાનોએ પણ આગળ આવવું પડશે. કપડવંજની પાટીદાર અને ભાભરના રૂૂની ગામની ચૌધરી યુવતીને લઈને રબારી સમાજના આગેવાન ઠાકરશી રબારીએ કહ્યું કે, રૂૂની ગામની ચૌધરી સમાજની દીકરી દોઢ વર્ષ પહેલા ઉણ ગામના રબારી સમાજના યુવક જોડે ગઈ હતી એને એક વર્ષનું સંતાન પણ છે. બે અને ત્રણ વર્ષ પહેલા ભાગી ગયેલી દીકરીના પરિવારના લોકોના મને ફોન આવે છે પણ એ બે -ત્રણ વર્ષ પહેલાં ભાગી ગઈ હોય એમાં મારી પણ મજબૂરી છેએ સમયે કહ્યું હોત તો પૂરતી મદદ કરતાં. ચૌધરી સમાજના આગેવાનો આવે તેમની સાથે મળીને રસ્તો કાઢવાનો પ્રયત્ન કરીશું. કપડવંજની પાટીદાર દીકરી 15 દિવસ પહેલા જ ગઈ છે. તેનો સંપર્ક કરીને દીકરીને ન્યાય અપાવવાના પ્રયત્નો કરીશું. અમારી રબારી સમાજની દીકરી ગઈ તો આખો સમાજ એક થયો તેમ હું એમના સમાજને વિનંતી કરું છું કે તમે આવો અને સાથે મળીને બધા પ્રયત્નો કરીયે.
