લોકગાયિકાનું મેરેજ સર્ટિફીકેટ પણ જાહેર, રાજીખુશીથી લગ્ન કર્યાની સ્પષ્ટતા
સિંગર કાજલ મહેરિયાના લવ મેરેજ મામલે વિવાદ વધુ વકર્યો છે. ગઈકાલે 20 એપ્રિલે કાજલ મહેરિયાની માતાનો સોશિયલ મીડિયામાં વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ અલ્પેશ ઠાકોર સામે આક્ષેપો કરતા જોવા મળી રહ્યા છે. કાજલની માતા શારદાબેન મહેરિયાએ કહ્યું કે, છોકરાનો પરિવાર ગેમ રમી રહ્યો છે.
બીજી તરફ કાજલ અને અલ્પેશ ઠાકોરે 6 મહિના પહેલા લગ્ન કર્યા હતા, તેનું મેરેજ સર્ટિફિકેટ સામે આવ્યું છે. જેમાં મેરેજ સર્ટિફિકેટ મુજબ 10 ઓકટોબર, 2025ના કિંજલબેન મહેરિયા ઉર્ફે કાજલ મહેરિયાએ અલ્પેશ ઠાકોર સાથે લગ્ન કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, 19 એપ્રિલે મહેરિયા પરિવાર અને સમાજના લોકો અલ્પેશ ઠાકોરના ઘરે કાજલને લેવા પહોંચ્યા હતાં. જ્યાં સામે પક્ષના પરિવારે મહેરિયા પરિવારને ઉશ્કેરીને કાઢી મૂક્યાં હોવાના આક્ષેપ કાજલ મહેરિયાની માતાએ કર્યા છે.
દરમિયાન આજે 21 એપ્રિલના રોજ, લગ્નના વધતા વિવાદ વચ્ચે લોકગાયિકા કાજલ મહેરિયાએ વીડિયોના માધ્યમથી ખુલાસો કર્યો છે. કાજલના જણાવ્યા અનુસાર, તેણે અલ્પેશ સાથેના દોઢ વર્ષના સંબંધોની જાણ પરિવારને કરી હતી, પરંતુ પરિવારે મંજૂરી ન આપતા તેણે આ પગલું ભર્યું છે. આ સાથે જ તેણે ધમકી આપનારાઓ અને અભદ્ર ટિપ્પણી (કોમેન્ટ) કરનારાઓને ચેતવણી આપી છે કે, હવે તે કોઈ જવાબ નહીં આપે, પરંતુ ન્યાયતંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરશે.
પરંતુ આજે હદનો છેડો પાર થઈ ગયો હોય એવું મને લાગે છે. આજે આ વીડિયોના માધ્યમથી જણાવું છું કે ગત 10-10-2025ના રોજ મેં મારી મરજીથી અને પૂરી સ્વસ્થ અવસ્થામાં, ભારતીય સંવિધાનના નિયમો અનુસાર અને ભારતના સ્વતંત્ર નાગરિકતાના નિયમ મુજબ પુખ્ત વયે મેં મારી મરજીથી અલ્પેશ જોડે લગ્ન કર્યા છે.
ના કોઈ ધાક-ધમકી કે ના કોઈ દબાણથી કર્યા છે. અલ્પેશ અને મારું પોતાનું રિલેશન છેલ્લા દોઢ વર્ષથી હતું. આ વાતની જાણ મેં મારા પરિવારને કરી હતી, પરંતુ એમની રાજીપો ના હોવાથી મેં મારી જાતે મારું ભવિષ્ય, મારી જિંદગી અને મહત્વપૂર્ણ નિર્ણય મેં મારી જાતે લીધો છે. એ બાબતે મારો પહેલો ગણો કે છેલ્લો ગણો, જવાબ આજ રહેશે અને આજ હશે.
તો ખાસ જણાવું છું કે અમે બંને રાજીખુશીથી રહીએ છીએ. હું મારી આ પર્સનલ વાતમાં ના કોઈ સમાજને કે ના કોઈ વડીલોને ગેરમાર્ગે દોરવા નથી માંગતી. એટલે હું સનાતન ધર્મમાં માનું છું અને સનાતન ધર્મપ્રેમી જનતા પાસે સાથ અને સહકાર માંગું છું. અને ખાસ એ વાત કે હું ધર્મ પરિવર્તન કરવા નહોતી માંગતી, એટલા માટે અત્યાર સુધી હું ચૂપ હતી.
આ નિર્ણય પર અડગ રહીશ એનું કારણ કે હું સનાતની છું. અને મારા પરિવાર દ્વારા અલ્પેશ અને મારા પર જે આક્ષેપો નાખવામાં આવ્યા છે, અલગ-અલગ ધમકીઓ મારી નાખવાની, ઉપાડી લેવાની… આ બધી ધમકીને અને ખાસ કે મારા સાસરે એટલે કે શેરથા જઈને જે કંઈ પણ બોલી અને ધમકીઓ આપી છે, એ બધી વાહિયાત વાતોથી કંટાળીને તમને બધાને વીડિયો દ્વારા જણાવું છું.
આ જ પછી આવી કોઈ પણ ફાલતુ વાતોનો મારે જવાબ આપવો પડે એવું હું જરૂૂરી નથી માનતી. તો પ્લીઝ, આજ સુધી મેં લોકોનું અને મારા પરિવારનું જ વિચાર્યું છે, પણ હવે હું મારું વિચારીશ. આ ઉપરાંત કોઈ પણ ખરાબ કોમેન્ટ કે હેરાનગતિ પહોંચાડશે તો ભારતીય ન્યાયતંત્રની મદદથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
તે છોકરો 200 રૂપિયામાં બક્ષીસ વીણવા આવતો હતો, લગ્ન પાછળ કાવતરું કાજલ મહેરિયાની માતાનું નિવેદન
મહેસાણાની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયાના લગ્નને લઈને ચાલી રહેલો વિવાદ હવે ઉગ્ર બન્યો છે. ત્યારે કાજલ મહેરિયાની માતા શારદાબેન મહેરિયાએ એક ચોંકાવનારું નિવેદન આપીને આ વિવાદમાં નવો વળાંક આપ્યોે છે. તેમણે આક્ષેપ કર્યો છે કે આ લગ્ન પાછળ મોટું કાવતરું ઘડવામાં આવ્યું છે. શારદાબેને જણાવ્યું હતું કે, જ્યારે પરિવાર અને સમાજના અગ્રણીઓ દીકરીને પરત લેવા માટે ગાંધીનગરના શેરથા ગામે ગયા હતા, ત્યારે ત્યાં પરિસ્થિતિ તંગ બની હતી. માતાના જણાવ્યા મુજબ, શેરથા ગામે દીકરીની માંગણી કરતા પરિવારજનોને સન્માન આપવાને બદલે ઉશ્કેરની કરીને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. માતાએ યુવક અંગે વાત કરતા કહ્યું કે, જે છોકરા સાથે કાજલના લગ્નની વાતો થઈ રહી છે, તે છોકરો અગાઉ તેમના ઘરે માત્ર 200 રૂૂપિયામાં બક્ષીસ વીણવા માટે આવતો હતો. શારદાબેને દાવો કર્યો હતો કે તેમની દીકરી આવા છોકરા સાથે ક્યારેય લગ્ન ન કરી શકે.શારદાબેને આક્ષેપ કર્યો છે કે સામેવાળો પરિવાર માત્ર પૈસા પડાવવા માટે આ પ્રકારની રમત રમી રહ્યો છે. આ એક પૂર્વનિયોજિત કાવતરું હોવાનું તેમણે જણાવ્યું છે. અંતમાં તેમણે દલિત સમાજ અને અઢારે આલમને આ મામલે મધ્યસ્થી કરી ન્યાય અપાવવા અને યોગ્ય રસ્તો કાઢવા માટે અપીલ કરી છે. આ વિવાદ હવે સામાજિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે.
