‘મને જીવવું ગમતું નથી’ જૂનાગઢ સિવિલમાં સારવાર માટે આવેલી મહિલાનો 7માં માળેથી પડતું મુકી આપઘાત

જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં આજે 17 ઓગસ્ટે કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જેમાં લાંબા સમયથી માનસિક બીમારીથી પીડાતા એક 46 વર્ષીય મહિલાએ હોસ્પિટલના…

જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં આજે 17 ઓગસ્ટે કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જેમાં લાંબા સમયથી માનસિક બીમારીથી પીડાતા એક 46 વર્ષીય મહિલાએ હોસ્પિટલના સાતમા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી છે. મૃતક મહિલાની ઓળખ અંજનાબેન કિરીટભાઈ જેઠવા તરીકે થઈ છે.

અંજનાબેન જેઠવા લાંબા સમયથી માનસિક બીમારીથી ઘેરાયેલા હતા અને મગજની સારવાર ચાલુ હતી. આજે તેઓ માનસિક બીમારીની સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં એકલા જ આવ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં આવ્યા બાદ તેઓ દર્દીઓની અવરજવર વચ્ચે અચાનક હોસ્પિટલની ઈમારતના સાતમા માળે પહોંચી ગયા અને નીચે ઝંપલાવી દીધું હતું. નીચે પટાંગણમાં પટકાતા જ ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે જ મોત થયું હતું.આત્મહત્યાના આ પગલાં પહેલાં મૃતક અંજનાબેને એક અત્યંત ભાવુક અંતિમ ચિઠ્ઠી પણ લખી હતી. આ સુસાઈડ નોટમાં તેમણે પોતાના પુત્રને સંબોધીને દિલની વ્યથા ઠાલવી હતી.

આ ઉપરાંત, મૃતક મહિલા પાસેથી અન્ય એક ચિઠ્ઠી પણ મળી આવી છે, જેમાં તેમણે પોતાનું પૂરું સરનામું અને પોતાના પુત્રોના મોબાઈલ નંબર લખેલા હતા. જેથી કરીને તેની ઓળખ કરવામાં કોઈ વિલંબ ન થાય અને પરિવારનો સંપર્ક થઈ શકે. આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલના સ્ટાફ અને સુરક્ષાકર્મીઓએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

પોલીસે મહિલાના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.ચિઠ્ઠીમાંથી મળી આવેલા મોબાઈલ નંબરના આધારે પોલીસે મૃતક અંજનાબેનના પરિવારજનોને ઘટનાની જાણ કરી હતી. બનાવની ખબર મળતાં જ પરિવારજનો ભારે આઘાત સાથે સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પોલીસે અંતિમ ચિઠ્ઠીઓ કબજે કરીને સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *