ઠેબચડાની ઘટના; દોઢ મહિનાથી પ્રેમમાં પડેલો યુવાન પાડોશી પરિણીતા સાથે હોટલે ચા નાસ્તો કરતો હતો તે વેળાએ પત્ની આવી ચડતા ભાંડો ફૂટ્યો
શહેરની ભાગોળ આવેલા ઠેબચડા ગામે રહેતા યુવકને છેલ્લા દોઢ મહિનાથી પાડોશમાં રહેતી પરિણીતા સાથે આંખ મળી ગઈ હતી અને બંને ગઈ કાલે હોટલમાં ચા નાસ્તો કરતા હતા તે દરમિયાન યુવકની પત્નીએ રંગે હાથ ઝડપી વિડિયો ઉતારી ફોટા પાડ્યા હતા. જે મુદ્દે દંપતિ વચ્ચે ઝઘડો થતાં પરિણીતાએ ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટના ઠેબચડા ગામે રહેતી રાધાબેન મનસુખભાઈ ડાભી નામની 30 વર્ષની પરિણીતા હરિભાઈની વાડીએ હતી ત્યારે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં રાધાબેન ડાભીને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે પતિ મનસુખભાઈ ડાભીને છેલ્લા દોઢ એક મહિનાથી પડોશમાં રહેતી પરિણીતા સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. ગઈકાલે મનસુખ ડાભી અને તેની પરિણીત પ્રેમિકા શિવ શક્તિ હોટલ ખાતે ચા નાસ્તો કરતા હતા. તે દરમિયાન રાધાબેન ડાભી શિવ શક્તિ હોટલ ખાતે આવી ચડી હતી અને પતિની પ્રેમલીલાનો ભાંડો ફોડવા વિડીયો ઉતારી ફોટા પાડ્યા હતા. જે મુદ્દે પ્રેમિકા સાથે રંગે હાથ ઝડપાયેલા પતિએ ઝઘડો કરતા રાધાબેન ડાભીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
