રાજકોટ શહેરમા પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી પીધેલાઓને પકડવા ખાસ ડ્રાઇવ યોજવામા આવે છે ત્યારે ગઇકાલે ધોળે દિવસે આઇપી મિશન સ્કુલની સામે આવેલી ફેમીલી કોર્ટના સંકુલમા ભરણ પોષણના કેસમા કોર્ટ મુદતે આવેલા આરોપીને પોલીસે પીધેલી હાલતમા ઝડપી પાડયો હતો અને તેમને લોકઅપમા ધકેલી દીધો હતો.
વધુ વિગતો મુજબ પ્રનગર પોલીસમા પીએસઓને વરધી મળી હતી કે ફેમીલી કોર્ટમા લોક રક્ષક પ્રદિપસિંહએ ફેમીલી કોર્ટમા એક શખ્સ જેનુ નામ અસરફ રફીકભાઇ શેખ (રહે. વૈશાલીનગર શેરી નં 10) વાળો શખ્સ દારૂ ઢીચેલી હાલતમા કોર્ટમા આવ્યો હોય જેથી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા આરોપી અસરફ ફેમીલી કોર્ટમા ભરણ પોષણના કેસમા તારીખ હોય જેથી ત્યા આવ્યો હતો તેમજ પોલીસે તપાસ કરતા આરોપી પીધેલી હાલતમા હોય જેથી તેમને પીસીઆર વાન મારફતે પોલીસ મથકે લાવી અને પ્રોહીબીશન એકટ 66 (1) મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી અને તેમને લોકઅપમા પુરી દીધો હતો. ફેમીલી કોર્ટમા આરોપી દારૂ ઢીચીને આવ્યો હોવાની વાત ફેલાતા ચકચાર જાગી હતી. આ બનાવ અંગે પીએસઆઇ બી. વી. બોરીસાગર અને સ્ટાફ તપાસ ચલાવી રહયો છે.
આ ઘટના મામલે પોલીસમાથી જાણવા મળ્યુ હતુ કે અસરફ વિરૂધ્ધ તેમના પત્નીએ ફેમીલી કોર્ટમા ભરણપોષણ અંગે અરજી કરી હતી જેની ગઇકાલે મુદત હતી અને ત્યા અસરફ પીધેલી હાલતમા આવી બકવાસ કરતો હોય અને જાહેરમા અભદ્ર શબ્દો બોલતો હતો. આ ઘટનાની જાણ કોઇએ પોલીસમા કરતા પોલીસે આરોપીની અટકાયત કરી હતી.