ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગ બાદ જણસીઓની વિપુલ આવક થઇ છે.બીજી બાજુ ખેડૂતોને સારા ભાવ મળ્યા છે. માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગની રજાઓ પૂર્ણ થતાં જ કૃષિ જણસીઓની આવક વિપુલ પ્રમાણમાં નોંધાઈ છે. યાર્ડમાં વિવિધ પાકોની મોટી સંખ્યામાં આવક થતાં વ્યાપારિક પ્રવૃત્તિઓમાં પણ તેજી જોવા મળી રહી છે.યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે ધાણા અંદાજે સવા લાખ ગુણી, ઘઉં 1 લાખ ગુણી તેમજ ચણા, લસણ અને ડુંગળી જેવી જણસીઓની પણ નોંધપાત્ર આવક થઈ છે.
રજાઓ બાદ માર્કેટમાં તેજી આવતાં ખેડૂતોને તેમની જણસીઓના સારા ભાવ મળ્યા છે.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રજા પૂર્ણ થયા બાદ જણસીઓના ભાવમાં રૂૂ. 200 થી 500 સુધીનો વધારો નોંધાયો છે, જે ખેડૂતો માટે લાભદાયી સાબિત થયો છે. માર્કેટિંગ યાર્ડમાં આવક વધતા વેપારીઓ અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. યાર્ડ દ્વારા સુવ્યવસ્થિત વ્યવહાર અને સુવિધાઓને કારણે વેપાર સરળતાથી ચાલી રહ્યો છે. યાર્ડમાં જૂનાગઢ, ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી ખેડૂતો મોટી સંખ્યામાં પોતાનો માલ વેચાણ માટે લઈને આવી રહ્યા છે, જેના કારણે યાર્ડની વ્યાપકતા અને વિશ્વસનીયતા વધુ મજબૂત બની રહી છે.
