આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, ચૂંટણી પંચે મતદારોની સુવિધા અને મતદાન પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે અનેક નવા નિયમો અમલમાં મૂક્યા છે. આ નિર્ણયો પૈકી એક મહત્ત્વપૂર્ણ નિયમ એ છે કે, કોઈપણ મતદાન મથક પર 1200થી વધુ મતદારો ન હોવા જોઈએ. આ નિર્ણયને પગલે રાજકોટ જિલ્લામાં મતદાન મથકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.
ચૂંટણી પંચે રાજકોટ કલેક્ટરને તાકીદની સૂચના આપી છે કે, તેઓ તેમના જિલ્લામાં 1200થી વધુ મતદારો ધરાવતા કેટલા મતદાન મથકો છે તે શોધી કાઢે અને તેનો વિગતવાર રિપોર્ટ તાત્કાલિક પંચને સુપરત કરે. આ આદેશ બાદ રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દરેક મામલતદાર અને બૂથ લેવલ ઓફિસર્સ (ઇકઘત) તેમજ સુપરવાઇઝરો મારફત આ અંગેની કાર્યવાહી છેલ્લા ચાર દિવસથી શરુ કરવામાં આવીછે. જિલ્લામાં 1200થી વધુ મતદારો ધરાવતા મતદાન મથકોને ઓળખી કાઢવાની અને તેમને અલગ પાડવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
ચૂંટણી પંચ દ્વારા કલેક્ટરને આ મતદાન મથકો શોધી કાઢવાનો આદેશ આપવામાં આવ્યો છે. આવનારા નવા કલેક્ટર માટે પણ આ એક પડકારજનક બાબત બનશે, કારણ કે જો ચૂંટણી પંચ 1200થી વધુ મતદારોને કોઈ પણ મતદાન મથકમાં નહીં રાખવાની સૂચના આપે છે, તો રાજકોટ શહેર અને જિલ્લાના કુલ આઠ વિધાનસભા મત વિસ્તારોમાં હાલ જે 2253 મતદાન મથકો છે, તેના બદલે 3000થી વધુ મતદાન મથકો થઈ જશે.
ચૂંટણી કચેરીના ટોચના વર્તુળોએ વ્યક્ત કરેલી શક્યતા મુજબ, 2027ની ચૂંટણીમાં લગભગ 700 થી 750 જેટલા નવા મતદાન મથકોનો વધારો થઈ શકે છે. આ મતદાન મથકો વધવાને કારણે ચૂંટણી તંત્ર પર સ્ટાફ, ખર્ચ અને મિકેનિઝમ વધારવાનું ભારણ પણ વધશે.
દરમિયાન, ચૂંટણી તંત્ર દ્વારા ઇકઘત ને આઈડેન્ટિટી કાર્ડ આપવાની કાર્યવાહી શરૂૂ કરાશે. આ ઉપરાંત, રજિસ્ટરમાંથી મૃત્યુ પામેલા મતદારોની યાદી મંગાવીને તેમના નામ કમી કરવાની કાર્યવાહી પણ આગામી જુલાઈ મહિનાથી રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર શરૂૂ કરશે, તેમ અધિકારી સૂત્રો હાલ જણાવી રહ્યા છે. આ પગલાંથી મતદાર યાદીને વધુ ચોકસાઈપૂર્ણ બનાવવામાં મદદ મળશે.
