કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન ભારતીય સેના વિરુદ્ધ કથિત ટિપ્પણીના કેસમાં તેમના વિરુદ્ધ થયેલા માનહાનિના કેસને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. સુનાવણી દરમિયાન આજે કોર્ટે રાહુલ ગાંધીને ઠપકો આપતા કહ્યું કે, તમને કેવી રીતે ખબર પડી કે ચીને 2000 ચોરસ કિલોમીટર ભારતીય જમીન પર કબજો જમાવી લીધો છે? જો તમે સાચા ભારતીય હોત, તો તમે આવું ન કહ્યું હોત.
સુનાવણી દરમિયાન, ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ એજી મસીહની બેન્ચે રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદનો સાથે અસંમત હતા. રાહુલ ગાંધી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ શરૂઆતમાં દલીલ કરી હતી કે જો કોઈ વિપક્ષી નેતા મુદ્દાઓ ઉઠાવી શકતો નથી, તો તે એક દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ હશે.
કોર્ટમાં, સિંઘવીએ કહ્યું કે જો તેઓ પ્રેસમાં પ્રકાશિત આ વાતો કહી શકતા નથી, તો તેઓ વિપક્ષના નેતા ન હોઈ શકે. આના પર, ન્યાયાધીશ દત્તાએ પૂછ્યું, ‘તમારે જે કહેવું હોય તે સંસદમાં કેમ નથી કહેતા? તમારે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ કેમ કહેવું પડે છે?’ રાહુલ ગાંધીના નિવેદન સાથે અસંમત થતાં, જસ્ટિસ દત્તાએ પૂછ્યું, ‘તમે કોઈ પુરાવા વિના આ નિવેદનો કેમ આપી રહ્યા છો? જો તમે સાચા ભારતીય હોત, તો તમે આ બધું ન કહ્યું હોત.’
વર્ષ 2022માં ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ સેનાની વિરૂદ્ધ નિવેદન આપ્યું હતું કે, ચીનના સૈનિકોના હાથે ભારતીય સેના માર ખાઈ રહી છે. આ મામલે રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો દાવો નોંધાયો હતો. અલાહાબાદ હાઈકોર્ટે 29 મેના રોજ માનહાનિના કેસમાં રાહુલ ગાંધીના સમન્સના આદેશના પડકારતી અરજી ફગાવી દીધી હતી.
રાહુલ ગાંધી સામેના માનહાનિના દાવાને પડકારતી અરજીની સુનાવણી કરતા, સુપ્રીમ કોર્ટે પૂછ્યું, ‘તમને કેવી રીતે ખબર પડી કે ચીને 2,000 ચોરસ કિલોમીટર પ્રદેશ પર કબજો કર્યો છે?’ અને ભારપૂર્વક કહ્યું, ‘જો તમે સાચા ભારતીય છો, તો તમે આવું ન કહ્યું હોત.’ કોર્ટે પૂછ્યું કે શું તમારી પાસે કોઈ વિશ્વસનીય માહિતી છે? જ્યારે સરહદ પાર વિવાદ હોય ત્યારે શું તમે આ બધું કહી શકો છો? તમે સંસદમાં પ્રશ્નો કેમ નથી પૂછતા?
કોર્ટે રાહુલ ગાંધીને ઠપકો આપ્યો અને કહ્યું કે જો તમે વિપક્ષના નેતા છો, તો તમે આ વાતો કેમ કહેશો? તમે સંસદમાં આ પ્રશ્નો કેમ નથી પૂછતા? આના જવાબમાં, રાહુલ વતી હાજર રહેલા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે તેમણે સંસદમાં બોલવાની સ્વતંત્રતા મેળવવા માટે ચૂંટણી લડી નથી. કલમ 19 (1) (A) રાહુલ ગાંધીને પ્રશ્નો પૂછવાની મંજૂરી આપે છે.
સુપ્રીમ કોર્ટે આગળ કહ્યું કે, લોકો તમને ભારત જોડો યાત્રા વિશે પૂછશે, ન કે, ચીને ભારતની 2000 ચોરસકિમી જમીન પર કબજો કરી લીધો છે તેના વિશે… ભારતીય સેનાના 20 જવાનની હત્યા, અરૂણાચલ પ્રદેશમાં આપણા સૈન્યે કરેલો સામનો વિશે કોઈ પૂછી રહ્યુ નથી. તમે એવો ખોટો દેખાવ ન કરો કે, લોકો કશું જાણતા નથી.
