ભારતીય ન્યાયતંત્રમાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ગૃહિણીઓ દ્વારા કરવામાં આવતી ઘરની સંભાળ અને સેવાઓનું આર્થિક મૂલ્ય છે. હવે અકસ્માત વળતરના કેસોમાં ’ઘરેલું સંભાળના નુકસાન’ (Loss of domestic care) ને એક અલગ અને મહત્વપૂર્ણ વળતરના મુદ્દા તરીકે ગણવામાં આવશે. દુર્ઘટનાનો શિકાર ગૃહિણીઓના વળતર માટે સુપ્રીમ કોર્ટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. કોર્ટે ગૃહિણીઓની ઘરેલું સંભાળના નુકસાનનું માસિક મૂલ્ય ઓછામાં ઓછું 30,000 રૂૂપિયા નક્કી કર્યું છે. જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એન.કે. સિંહની બેન્ચે આ ચુકાદો આપતા ગૃહિણીઓના મહત્ત્વને નવી ઊંચાઈ આપી છે. કોર્ટે નોંધ્યું છે કે ગૃહિણીનું કામ માત્ર ચાર દીવાલો વચ્ચે સીમિત નથી, પરંતુ તે માનવ વિકાસ અને દેશના પાયાના નિર્માણ સાથે જોડાયેલું છે.
કોર્ટે આ અંગે ખૂબ જ સકારાત્મક અભિગમ અપનાવતા જણાવ્યું છે કે, અમે માનીએ છીએ કે ગૃહિણી માનવીના વિકાસ અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપે છે. ગૃહિણી રાષ્ટ્રનું નિર્માણ કરે છે. તેથી, રાષ્ટ્ર નિર્માતા તરીકે, અમે ગૃહિણીઓની ઘરેલું સંભાળના નુકસાનનું માસિક મૂલ્ય ઓછામાં ઓછું 30,000 રૂૂપિયા નક્કી કર્યું છે.
અગાઉના ’પ્રણય સેઠી’ ચુકાદામાં જે વળતરના માપદંડો નક્કી હતા, તેમાં હવે સુપ્રીમ કોર્ટે ’લોસ ઓફ ડોમેસ્ટિક કેર’ (ઘરેલું સંભાળમાં થતી ખોટ) ને એક વધારાના ગ્રાઉન્ડ તરીકે ઉમેર્યું છે. જસ્ટિસ કરોલની ટિપ્પણી મુજબ, આ નિર્ણયનો ઉદ્દેશ્ય ગૃહિણીના કાર્યને યોગ્ય સન્માન અને આર્થિક માન્યતા અપાવવાનો છે. કોર્ટે એવી આશા વ્યક્ત કરી છે કે હવે ’હોમમેકર’ શબ્દને બદલે ’નેશન બિલ્ડર’ (રાષ્ટ્ર નિર્માતા) શબ્દનો ઉપયોગ કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે માત્ર વળતર જ નહીં, પરંતુ કેસના ઝડપી નિકાલ માટે પણ મહત્વના નિર્દેશો આપ્યા છે. મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ્સને મોટર વ્હીકલ એક્ટની કલમ 169 હેઠળ નિર્ધારિત સંક્ષિપ્ત કાર્યવાહીને અક્ષરશ: લાગુ કરવા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, દેશની તમામ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને આ પ્રક્રિયા પર દેખરેખ રાખવા આદેશ આપવામાં આવ્યો છે જેથી પીડિત પરિવારોને ન્યાય મેળવવા માટે વર્ષો સુધી રાહ જોવી ન પડે.
