અત્યાર સુધીમાં 13 કરોડ ભાવિકોએ ડૂબકી લગાવી
ગૃહમંત્રી અમિત શાહે આજે પ્રયાગરાજ મહાકુંભમાં સપરિવાર સ્નાન કર્યું હતું. તેમની સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, બાબા રામદેવ તથા જુના અખાડાના સંતો-મહંતો પણ ઉપસ્થિત હતા. પાંચ કલાકના રોકાણ દરમિયાન શાહે સંતો-મહંતો સાથે ભોજન કર્યું હતું અને સાથે હનુમાન મંદિરમાં દર્શન કર્યા હતા. શાહના પુત્ર અને આઇસીસી અધ્યક્ષ જય શાહે પણ પરિવાર સાથે ડુબકી લગાવી હતી.નોંધપાત્ર છે કે ગૃહમંત્રીએ તાજેતરમાં ગુજરાતની મુલાકાત વખતે ખુલાસો કર્યો હતો કે તે અગાઉ 9 વખત કુંભ અને અર્ધકુંભમાં ભાગ લઇ ચુકયા છે.
મહાકુંભમાં પહોંચતા પહેલા શાહે લખ્યું- હું સંગમમાં સ્નાન કરવા આતુર છું.શાહની મુલાકાતને ધ્યાનમાં રાખીને સવારથી જ તમામ ઘાટ પર બોટનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું હતું. લેટે હનુમાન મંદિરમાં પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે.
મહાકુંભમાં આજે ધર્મ સંસદ બોલાવવામાં આવી છે. જેમાં સનાતન બોર્ડની રચનાની જાહેરાત કરવામાં આવશે. ચાર શંકરાચાર્ય, 13 અખાડા અને હજારો ઋષિ-મુનિઓ આ નિર્ણયને મંજૂરી આપશે. સનાતન બોર્ડમાં દેશભરના 200 મુખ્ય મંદિરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. માર્ગદર્શક મંડળના પ્રમુખ મહામંત્રી સહિત તમામ અધિકારીઓ પસંદ કરી લેવામાં આવ્યા છે. મહાકુંભમાં અત્યાર સુધીમાં 13 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન કરી ચૂક્યા છે.
મહાકુંભ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ, યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને પૂર્વ સીએમ અખિલેશ યાદવે આસ્થાની ડૂબકી લગાવી છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ આગામી દિવસોમાં મહાકુંભમાં સ્નાન કરવા જઈ રહ્યા છે.