સંસ્કૃતિ અને સૂરોના સથવારે દેશ-વિદેશમાં લોકસંગીતની મહેક પ્રસરાવી રહ્યા છે ગીતાબેન ચૌહાણ
નવી પેઢી આપણા લોકસંગીતના અમૂલ્ય વારસાને જાળવે તે માટે પ્રયત્નશીલ છે ગીતાબેન ચૌહાણ
“જ્યારે કોઈ સુપ્રસિદ્ધ વ્યક્તિના સંતાન પોતાના પેરેન્ટ્સના ફિલ્ડમાં જ આગળ વધવાનું નક્કી કરે ત્યારે લોકો કમ્પેરિઝન કરશે.તેની પાસેથી લોકોની અપેક્ષા વધશે અને જજ પણ કરશે પરંતુ દરેક વ્યક્તિ અલગ છે,દરેક વ્યક્તિની આવડત અલગ છે,શક્તિ અલગ છે, તેના સમય સંજોગ અલગ છે અને તેથી કોઈ રીતે સરખામણી શક્ય નથી.એ જ રીતે મારી અને મારા પિતાજીની કમ્પેરિઝન પણ કરી ન શકાય.
પપ્પા લેજન્ડ છે અને રહેશે,જ્યારે હું તેમના પગલે ચાલવાનો પ્રયત્ન કરી રહી છું.” આ શબ્દો છે આપણા રાજકોટના લોકલાડીલા કલાકાર પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણના પુત્રી ગીતાબેન ચૌહાણના. તેઓ આકાશવાણી રાજકોટના એ ગ્રેડ કલાકાર છે અને પિતાજી સાથે સ્ટેજ પ્રોગ્રામ આપવા સાથે તેમની પોતાની પણ અલગ ઓળખાણ છે. દેશ-વિદેશમાં કાર્યક્રમો રજૂ કરવા ઉપરાંત અનેક એવોર્ડ તેઓને મળેલા છે .આજે ઉડાનમાં જાણીએ તેમની સંગીતની સફર.
પરિવારમાં માતા લીલાબેન ચૌહાણ,પિતા હેમંતભાઈ ચૌહાણ,ભાઈ મયુરભાઈ ચૌહાણ બધા સંગીતમાં માહેર. માતા પણ ભજન કીર્તન ગાય છે તો ભાઈ પણ સુગમ સંગીત અને ગઝલ ક્ષેત્રે નામ ધરાવે છે.ગીતાબેન ચૌહાણે રાજકોટમાં એમએસસી હોમ સાયન્સ,બી.એડ. સુધી અભ્યાસ કરી નોકરી શરૂૂ કરી.નાનપણથી જ શિક્ષણ સાથે સંગીતના સૂરોનો સથવારો હતો. બાલમંદિરમાં ભણતા ત્યારે પિતાજી બાળગીતો, કવિતા શીખવતા.પિતાજી સંગીત ક્ષેત્રમાં હોવાના કારણે ઘરમાં પણ ગરબા, ભજન,લોક સંગીત વગેરે સાંભળીને મોટા થયા.ઘરે જાણીતા કલાકારો આવતા અને તેમની વાતો,તેમનું કલા પ્રત્યેનું સમર્પણ તેઓ જોતા. પિતાજીનો સંગીતનો વારસો તો મળ્યો પરંતુ એ વારસાને વધુ ખીલવવા સંગીતની તાલીમ પણ તેઓ લઈ રહ્યા છે.આ બાબત ગીતાબેન જણાવે છે કે અત્યારે હું ગુરુ શિષ્ય પરંપરામાં ઇન્દોર ઘરાનાના શ્રીમતી પીયુબેન સરખેલ પાસેથી તાલીમ લઈ રહી છું.8 વર્ષની ઉંમરથી ગાતા આવડતું એટલે સગા સંબંધીઓને ત્યાં કાર્યક્રમોમાં ગાવાથી શરૂૂઆત થઈ.
એ સમયે પ્રોફેશનલ આર્ટિસ્ટ બની નામ-દામ કમાવા એવો કોઈ વિચાર નહોતો. ખૂબ જ સાત્વિક વાતાવરણ હતું અને પિતાજી રોલ મોડેલ હતા એટલે સંગીતને એક સાધના તરીકે જ જોઉં છું. કોલેજના અભ્યાસ દરમિયાન રાજકોટમાં શો હોય ત્યારે પિતાજીને ગાવામાં સાથ આપવાનું બનતું. 2002 ની સાલમાં લગ્ન પછી વધારે સારી રીતે સંગીતમાં પ્રવૃત્ત બની. લોકગીત,ભજન, રાસ ગરબા ,કીર્તન, લગ્નગીત વગેરે ગાઉ છું. લોકસંગીતના કાર્યક્રમમાં વાતાવરણ અલગ જ રહેતું.સૂરો વડે સાથ આપતા કલાકારો સાથે પણ એક પરિવાર જેવી ભાવના રહેતી.
જે કલાકાર નાનપણથી દિવાળીબેન ભીલ, હેમુ ગઢવી,પ્રફુલ દવે, દમયંતીબેન બરડાઈ, મીનાબેન પટેલ લલીતાબેન ઘોડાદ્રા, ભારતીબેન વ્યાસ વગેરેને સાંભળીને મોટા થયા હોય તેની સૂરોની સાધના વિશે શું કહેવું?
સંઘર્ષની વાત કરતા ગીતાબેને જણાવ્યું કે અભ્યાસની સાથે સંગીતને સમય આપવાનું ઘણીવાર મુશ્કેલ બનતું. લગ્ન પછી પણ પરિવારની જવાબદારી, નોકરી, ગાવાની પ્રેક્ટિસ, રિયાઝ વગેરે માટે સમયની ગોઠવણી કરવી પડતી પરંતુ આને હું સંઘર્ષનું નામ નહીં આપું પરંતુ જો ટાઈમ મેનેજમેન્ટ આવડી જાય તો કંઈ પણ અઘરું નથી.આ ઉપરાંત જો તેમાં પરિવારનો સાથ મળે તો સોનામાં સુગંધ ભળે.આ માટે મારા પતિ તેમજ પરિવારજનોનો ખૂબ સહયોગ છે.તેઓ સંગીતમાં મને પાછી પાની કરવા દેતા નથી ખૂબ જ પ્રેરણા આપે છે અને ઉત્સાહ વધારે છે.
ગીતાબેનના પતિ ચેતનભાઇ પરમાર મિકેનિકલ એન્જિનિયર છે અને બિઝનેસમેન છે.દીકરી મહેક બારમા ધોરણમાં ભણે છે. ગીતાબેનનું સ્વપ્ન ભવિષ્યમાં પણ આપણો લોકસંગીતનો અમૂલ્ય વારસો જળવાઈ રહે તે છે.નવી પેઢી ભજનો, લોકગીતો, ગરબા વગેરેમાં રસ લેતી થાય તે માટે નવા નવા પ્રયોગો અને બદલાવને તેઓ આવકાર્ય ગણે છે.પિતાજીની છત્રછાયા અને આશીર્વાદમાં ગીતાબેન ચૌહાણે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે તેઓને ખૂબ ખૂબ શુભકામનાઓ.
તમારામાં રહેલા એક્સ ફેક્ટરને ઓળખો
મહિલાઓને સંદેશ આપતા તેઓએ જણાવ્યું કે મહિલાઓમાં અઢળક શક્તિ પડેલી હોય છે. કોઈનામાં લેખન શક્તિ હોય, કોઈનામાં સજાવટની હોય ,કોઈનામાં રસોઈ બનાવવાની કલા હોય. કોઈપણ આવડત હોય તમારે તમારી અંદરના એ એક્સ ફેક્ટરને શોધી કાઢવું જરૂૂરી છે.સમયનું મેનેજમેન્ટ કરશો તો કોઈ પણ કામ કરી શકશો.
લોકસંગીતની સંગાથે સફળતા
લવ યુ પપ્પા ફિલ્મનું ગીત “મારા પપ્પા જેવું કોઈ …..અને ઉંબરો ફિલ્મનું “આપણા મલકના માયાળુ માનવી” એ બંને ગીત માટે તેઓએ સ્વર આપ્યો છે.
ઉજ્જૈનમાં પદ્મશ્રી પ્રહલાદ ટીપાણિયાજી દ્વારા આયોજિત માલવા કબીર યાત્રામાં ભાગ લીધો છે
2018 માં પાર્લામેન્ટ લંડનમાં એવોર્ડથી સન્માન થયું.2019માં ઇન્દોર ખાતે નેશનલ એક્સેલન્સ એવોર્ડ મળ્યો.
2023 માં રૂૂહાનિયત કાર્યક્રમ, જેમાં અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યના લોકો પોતાની કલા સંસ્કૃતિ પ્રદર્શિત કરે છે તેમાં મીરા ભજન ગાયું.
હેમંતભાઈ અને ગીતાબેન બંને પિતા- પુત્રીની જોડીએ અનેક વિદેશ પ્રવાસ કર્યા છે.અમેરિકા,ઓસ્ટ્રેલિયા,કેનેડા,યુકે વગેરે સ્થળોએ નવરાત્રી સહિતના કાર્યક્રમો કર્યા છે.
સ્ટેજ શો ઉપરાંત ઓન લાઈન પણ તેઓએ પર્ફોેર્મ કર્યું છે અને યુ ટ્યુબ ચેનલમાં પણ તેમનો મોટો ચાહક વર્ગ છે.
Written By: Bhavna Doshi
