માંગરોળ નજીક પોરબંદર હાઇવે પર શીલ ગામ નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે માંગરોળના તાલોદ ગામે રહેતો ધો. 11 નો છાત્ર પરીક્ષા આપી સ્કુલેથી ઘરે જતો હતો ત્યારે પુરપાટ ઝડપે આવતા બોલેરો ચાલકે બાઇકને ઠોકરે ચડાવી નાશી છુટતા ગંભીર રીતે ઘવાયેલા છાત્રનુ રાજકોટ હોસ્પિટલમા મોત નીપજયુ હતુ.
જાણવા મળતી વિગત મુજબ માંગરોળના તાલોદા ગામે રહેતો અને ધો. 11 મા અભ્યાસ કરતો આયુષ અશોકભાઇ ચુડાસમા (ઉ.વ. 16) નામનો છાત્ર ગત તા. ર1 ના પોતાનુ બાઇક લઇ સ્કુલેથી ઘરે આવતો હતો ત્યારે માંગરોળ – પોરબંદર હાઇ-વે પર શીલ ગામ પાસે પહોંચતા પૂરપાટ ઝડપે આવતો બોલેરો ચાલક બાઇકને ઠોકરે ચડાવી નાશી છુટયો હતો આ અકસ્માતમા આયુષને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા સારવાર માટે પ્રથમ માંગરોળ બાદ રાજકોટ હોસ્પિટલમા ખસેડવામા આવ્યો હતો. પરંતુ અહી સારવાર દરમિયાન આજે હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા તેનુ મોત નીપજયુ હતુ.
પ્રાથમિક તપાસમા મૃતક આયુષ બે ભાઇમા નાનો અને ધો. 11 મા અભ્યાસ કરતો હતો. તેના પિતા મજુરી કામ કરે છે. બનાવના દિવસે મૃતક ધો. 11 ની પરીક્ષા આપી ઘરે આવતો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. પુત્રના મોતથી પરીવારમા શોકની લાગણી છવાઇ જવા પામી છે. આ અંગે માંગરોળ પોલીસે અકસ્માત સર્જી નાશી છુટેલા બોલેરો ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.