નેશનલ હાઇવે પર કોઈ માર્ગ અકસ્માત થાય અને એમ્બ્યુલન્સ સમયસર ન પહોંચે, તો તે હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોન્ટ્રાક્ટરોને ભારે પડી શકે છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ એમ્બ્યુલન્સ સેવાઓને લઈને અત્યંત કડક નવા નિયમો જારી કર્યા છે. અકસ્માત સ્થળે પહોંચવાથી લઈને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા સુધીની સમય મર્યાદા (ટાઈમ લિમિટ) નક્કી કરી દેવામાં આવી છે. એટલું જ નહીં હવે હદનું બહાનું પણ નહીં ચાલે.
NHAIના નવા પરિપત્ર મુજબ, જ્યારે પણ કોઈ ઇમરજન્સી કોલ આવે, તો તેને માત્ર 1 મિનિટની અંદર સ્વીકારવો (એક્સેપ્ટ કરવો) ફરજિયાત છે. જો કોલ રિસીવ કરવામાં આનાથી વધારે વિલંબ થશે, તો સીધો ₹5,000 નો દંડ લાગશે. કોલ રિસીવ કર્યાની 2 મિનિટની અંદર એમ્બ્યુલન્સે બેઝ પરથી રવાના થઈ જવું પડશે. જો આમાં મોડું થશે, તો વિલંબની દરેક વધારાની મિનિટ દીઠ ₹5,000 દંડ તરીકે કાપી લેવામાં આવશે.
જો અકસ્માત એમ્બ્યુલન્સના બેઝથી 10 કિલોમીટરની હદમાં થયો હોય, તો એમ્બ્યુલન્સે 10 મિનિટની અંદર ઘટનાસ્થળે પહોંચવું જ પડશે. જો મોડું થશે તો ઘટના દીઠ ₹10,000 નો દંડ થશે. જો અંતર 10 કિમીથી વધુ હશે, તો અંતરના પ્રમાણમાં નિર્ધારિત સમયમાં વધારો કરાશે.
આ સૌથી મહત્વનો નિયમ છે. અકસ્માત સ્થળેથી દર્દીને લીધા પછી, તેને વધુમાં વધુ 1 કલાકની અંદર નજીકની હોસ્પિટલમાં પહોંચાડવો ફરજિયાત છે. જો આ પ્રક્રિયામાં વિલંબ થયો, તો પણ ₹10,000 નો દંડ ફટકારવામાં આવશે. જો કોઈ એમ્બ્યુલન્સ ઇમરજન્સી ટિકિટ અથવા કોલ એક્સેપ્ટ કરવાનો સીધો જ ઇનકાર કરી દેશે, તો દરેક કિસ્સા દીઠ ₹10,000 નો દંડ લાદવામાં આવશે. NHAIએ એમ્બ્યુલન્સમાં લાગેલા GPS અને સંબંધિત એપ્લિકેશન્સ અંગે પણ કડકાઈ દાખવી છે. જો એમ્બ્યુલન્સનું GPS બંધ જોવા મળશે, અથવા એપ પર એમ્બ્યુલન્સ ઓનલાઈન (એક્ટિવ) ન દેખાય કે પછી તેની માહિતી ડેશબોર્ડ પર પ્રદર્શિત ન થતી હોય, તો રોજના ₹2,500 નો દંડ લાગશે.
આ ઉપરાંત, ચેકિંગ દરમિયાન જો એમ્બ્યુલન્સમાં દવાઓ, જરૂૂરી મેડિકલ સાધનો, ડ્રાઇવરો કે ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયનનો અભાવ જોવા મળશે, તો દરેક ચેકિંગ (નિરીક્ષણ) દીઠ ₹10,000 નો દંડ ફટકારવામાં આવશે. દરેક એમ્બ્યુલન્સે 24 કલાકમાં ઓછામાં ઓછું એક વખત ડ્રાય રન (મોક ડ્રિલ) કરવું પડશે અને તે દરમિયાન ઓછામાં ઓછું 5 કિલોમીટરનું અંતર કાપવું પડશે. જોકે, જો કોઈ એમ્બ્યુલન્સ તે દિવસે કોઈ સાચા અકસ્માત સ્થળે ગઈ હોય અને તેનું કુલ અંતર 5 કિમીથી વધુ થઈ ગયું હોય, તો ડ્રાય રનની શરત લાગુ નહીં પડે.
