5.22 લાખના ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા અને છ ટકા વ્યાજ સહિત વળતર ચૂકવવા નીચલી કોર્ટે હુકમ કર્યો’તો
શિવસાગર ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીને લોન પરત કરવાનો આપેલો રૂૂ.5.22 લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં નીચલી કોર્ટના સજા અને વ્યાજ સહિત વળતર ચૂકવવાના હુકમ સામે લોનધારકે કરેલી અપીલ ઉપલી કોર્ટે ફગાવી દઈ નીચલી કોર્ટના હુકમ કાયમ રાખ્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટના ભાવનગર રોડ ઉપર આવેલ વિજયનગરમાં રહેતા જગદિશભાઈ કાળુભાઈ શીંગાળાએ શ્રી શિવસાગર ક્રેડિટ કો-ઓપ. સોસાયટી લી.માંથી રૂૂા.5 લાખની લીધેલી લોનની રકમ ભરપાઈ કરવા જગદિશભાઈ શીંગાળાએ રૂૂા.5,22,589નો ચેક આપેલ. આ ચેક ક્રેડિટ સોસાયટીએ ખાતામાં ભરતા તે ચેક ખાતામા અપુરતા નાણાને કારણે પરત ફર્યો હતો. આથી ક્રેડિટ સોસાયટી દ્વારા રાજકોટના ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ સમક્ષ દાખલ કરાયેલી ફોજદારી ફરીયાદના કેસમાં અદાલતે જગદિશ શીંગાળાને એક વર્ષની સજા ફરમાવી હતી.
નીચેની કોર્ટના સજાના હુકમ સામે જગદિશ શીંગાળાએ સેશન્સ કોર્ટ સમક્ષ દાખલ કરેલી અપીલમાં શિવસાગર મંડળી તરફથી એડવોકેટ નીલેશ જી. પટેલ મારફત એવી રજુઆત કરવામાં આવેલ કે એપેલન્ટ જગદિશ શીંગાળાએ લોનની કાયદેસરની લેણી રકમ પરતનો ચેક આપતી વખતે આરોપી તરફથી દેવામાં આવેલ વચન, વિશ્વાસ અને ખાત્રીનો ભંગ કરી આરોપીએ નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 હેઠળનો ગંભીર ગુન્હો કરેલ છે, જેથી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શખ્ત નશ્યત પહોંચાડવી જરૂૂરી છે. તેમજ સુપ્રીમ કોર્ટ તથા હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓ ધ્યાને લઈ નીચેની કોર્ટે જગદિશભાઈ શીંગાળાને કરેલ સજાનો હુકમ કાયદેસરનો ઠરાવી જગદિશભાઈ શીંગાળાની અપીલ રદ કરી નીચેની કોર્ટના હુકમ મુજબ એક વર્ષની સજા તેમજ ચેક મુજબની રકમ છ ટકા વ્યાજ સહીત વળતર પેટે એક માસમાં ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ ત્રણ માસની સજાના હુકમની અમલવારી માટે વોરંટ કાઢવા સૂચના આપી છે. આ કામમાં ક્રેડિટ કો-ઓપ. સોસાયટી તરફથી એડવોકેટ નીલેશ જી. પટેલ, રીધ્ધી પીલોજપરા તથા સહાયક દિપાલી નકુમ રોકાયા હતા.
