દુ:ખિયાની વહારે આવતી હાઈકોર્ટ, ઉતાવળે કરેલી કલેકટર તંત્રની નોટિસ જ ઉડાડી દેવાઈ
રેવન્યુ ટ્રીબ્યુનલમાં અપીલનો નિર્ણય ન આવે ત્યાં સુધી લોકોને રાહત રહેશે, 90 દિવસમાં જંગલેશ્વરનાં અરજદારોની અપીલનો ફેંસલો કરવા જીઆરટીને આદેશ
ભારે ગાજેલા ડિમોલિશનના બુલડોઝર ચાલુ થાય તે પહેલા જ હાઈકોર્ટે બંધ કરાવી દીધા
જંગલેશ્ર્વરમાં 1358 જેટલા દબાણકારોને કલેકટર તરફથી જમીન ખાલી કરવાની નોટિસને પગલે ભારે ચકચાર મચી જવા પામ્યો હતો અને લોકોએ મકાન ખાલી કરીને ભાડે જવા માટે પણ શોધખોળ આદરી હતી. પરંતુ હાલ પુરતી રાહત આપતાં હાઈકોર્ટે કલેકટરનો ડિમોલીશન કરવાનો ઓર્ડર હાઈકોર્ટે આજે ફગાવી દીધો છે અને અરજદારોની જમીનની માલીકીની કાયદેસરતાં બાબતે ગુજરાત રેવન્યુ ટ્રીબ્યુનલને ત્રણ મહિનામાં મેરીટના ધોરણે નિર્ણય કરવાનો હુકમ કર્યો છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે કલેકટરની નોટીસ સામે જંગલેશ્ર્વરનાં અરજદારો દ્વારા હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતાં. શનિવારનાં રોજ અરજીની સુનાવણી થતાં ન્યાયમૂર્તિ શ્રીમતિ વૈભવી નાણાવટી દ્વારા સોમવાર સુધી ડિમોલીશનને બ્રેક મારવામાં આવી હતી અને આ અરજીની અગ્રતાના ધોરણે સુનાવણી કરવા માટે લીસ્ટ કરવામાં આવી હતી. આજે સવારે આ અરજી બાબતે સરકાર અને અરજદારોના પક્ષે રજૂઆતો થઈ હતી. જેમાં મુખ્ય મુદ્દો ઉપસ્થિત થયો હતો કે જંગલેશ્ર્વરમાં આવેલા જમીનના ચાર ખંડ પૈકી બે ખંડ કલેકટર હસ્તકના અને બે ખંડ મ્યુનિસિપલ કમિશ્નર હસ્તકના છે. ગુજરાત સરકારના જીઆર પ્રમાણે મ્યુનિસિપલ કમિશ્નર હસ્તકના ખંડમાં જે દબાણ હોય તે દબાણ તોડી પાડવામાં આવે તો તેમને વૈકલ્પીક આવાસની વ્યવસ્થા પુરી પાડવામાં આવે છે. પરંતુ કલેકટર હસ્તકની જમીનમાં આવી કોઈ વ્યવસ્થા ન હોવાથી તે લોકો સાથે ભેદભાવ થશે. હાઈકોર્ટે આ મામલે માનવતાવાદી અભિગમ અપનાવવાની તરફેણ કરી હતી.
આજે દલીલ દરમિયાન સરકાર પક્ષે જણાવાયું હતું કે જો અરજદારોની કોઈ અપીલ પેન્ડીંગ હોય તો ગુજરાત રેવન્યુ ટ્રીબ્યુનલને પણ આદેશ આપવામાં આવે કે બે અઠવાડિયાની અંદર તે અંગે નિર્ણય લે પરંતુ હાઈકોર્ટે તે માટે 90 દિવસનો સમય આપ્યો છે. આ અંગેની સુનાવણીમાં સરકાર પક્ષે રજૂઆત કરવામાં આવી હતી કે કલેકટરનાં માલિકીના બે ખંડમાં ડિમોલીશન થાય તો વિસ્તાપીતોને આવાસ આપવા માટે કોઈ પોલીસી નથી જેની સામે હાઈકોર્ટે પણ કહ્યું હતું કે એક જમીનમાં તમે ડિમોલીશનના અસરકર્તાને આવાસ ફાળવવા માટે મંજુરી આપો છો તો બીજી જમીનમાં પણ આ બાબતે સરકારે વિચાર કરવો જોઈએ.
આજે ડિમોલીશનના ઓર્ડરને હાઈકોર્ટે રદ કરતાં જંગલેશ્ર્વરમાં વસતા હજારો લોકોને રાહતનો શ્ર્વાસ મળ્યો છે અને હાલ પુરતુ ડિમોલીશન અટકતાં કલેકટર તંત્રને પણ મોટો ઝટકો લાગ્યો છે.
