ઇન્ડિયન બેંકમાં સોનાની ચોરીના કૌભાંડમાં 28મીએ નવો તપાસ રિપોર્ટ રજૂ કરવા હાઇકોર્ટનો હુકમ

રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલી ઇન્ડિયન બેંકની બ્રાન્ચમાંથી લોનધારકોનું રૂૂ. 1.15 કરોડના સોનાના દાગીના ગુમ થઈ ગયાની ઘટના છ માસ પૂર્વે સામે આવતા ચકચાર…

રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલી ઇન્ડિયન બેંકની બ્રાન્ચમાંથી લોનધારકોનું રૂૂ. 1.15 કરોડના સોનાના દાગીના ગુમ થઈ ગયાની ઘટના છ માસ પૂર્વે સામે આવતા ચકચાર મચી હતી. જે મામલે એ ડિવિઝન પોલીસે ગુનો પણ નોંધ્યો હતો. જો કે, હજુ સુધી પોલીસની તપાસમાં કોઈ જ પ્રગતિ નહિ હોવાનું ટાંકી હાઈકોર્ટએ એસીપી કક્ષાના અધિકારીની દેખરેખ હેઠળ તપાસ કરીને આગામી 28મીની સુનાવણીમાં નવો રીપોર્ટ પેશ કરવા આદેશ કર્યો છે. સમગ્ર બનાવની વિગતો પર નજર કરવામાં આવે તો શ્યામ શાહ અને સંગીતા શાહ નામના દંપતીએ ઇન્ડિયન બેંકની ગોંડલ રોડ પર આવેલી બ્રાન્ચમાંથી વર્ષ 2023 માં ગોલ્ડ લોન લીધી હતી. જેની સામે દંપતીએ રૂૂ. 1.15 કરોડની કિંમતના સોનાના એક કિલોના ઘરેણાં બેંકમાં ગીરવે મુક્યા હતા. વર્ષ 2025 માં સોનુ બેંકના લોકરમાંથી ગાયબ થઈ ગયાનો ઘટસ્ફોટ થયો હતો. જે મામલે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો.

સોના-ચોરી પ્રકરણમાં ભારે ઉહાપોહ થયા બાદ પોલીસે ગુનો દાખલ કર્યો હતો પરંતુ ત્યારબાદ પોલીસે કોઈ કાર્યવાહી ન કરવા વિશે ગ્રાહક સંગીતા શ્યામભાઈ શાહે હાઈકોર્ટમાં દાદ માંગી હતી. આ કેસમાં સુનાવણી બાદ હાઇકોર્ટે ચુકાદામાં એમ કહ્યું કે ડીસેમ્બર-2025માં એફઆઇઆર થવા છતાં આજ દિવસ સુધી યોગ્ય તપાસ થઈ નથી કે એકપણ આરોપીની અટકાયત-ધરપકડ કરવામાં આવી નથી.

રાજકોટ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનનો રીપોર્ટ રજુ થયો છે પરંતુ તપાસનીશ અધિકારીએ કોર્ટે કાર્યવાહી કરી હોવાનું માલુમ પડતું નથી. આરોપીઓની આગોતરા જામીન અરજી નકારવામાં આવી હોવા છતાં કાર્યવાહી થઈ હતી. આ હકિકતને ધ્યાને રાખીને એસીપી કક્ષાના અધિકારીની દેખરેખ હેઠળ તપાસ યોજીને 28મીએ નવી સુનાવણી વખતે નવો રીપોર્ટ રજુ કરવામાં આવે તેવો હાઈકોર્ટએ આદેશ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન બેંક દ્વારા લોનધારક દંપતીને સમાધાનની ઓફર આપી રૂૂ. 1.32 કરોડનું વળતર ચૂકવવા તૈયારી બતાવવામાં આવી હતી. જો કે, દંપતીએ ચોરી પ્રકરણમાં યોગ્ય તપાસનો આગ્રહ રાખ્યો હતો. દંપતીએ ચોરી પ્રકરણમાં આરબીઆઈ દ્વારા બેંક વિરુદ્ધ પણ પગલાં લેવામાં આવે તેવી માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *