અરજદારે 3 પોલીસ ફરિયાદ, ખંડણી જેવા ગંભીર આરોપ છૂપાવ્યા
શહેરની સ્મોલ સ્ટોલ કે પથ્થરવાલી મસ્જિદના 100 મીટરમાં વિવાદાસ્પદ રીતે બાંધકામ કરાતું હોવાના દાવા સાથે થયેલી અરજી હાઇકોર્ટે રૂૂ. 10 લાખના મૌખિક દંડ સાથે રદબાતલ કરી છે. આ કેસમાં એવી હકીકત સામે આવી હતી કે, અરજદારે તેની સામે થયેલી પોલીસ ફરિયાદની બાબત છુપાવીને કોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી હતી. તેથી અરજદારની બોગસ અને ખોટા આશય સાથેની રિટ હાઇકોર્ટ દંડ સાથે ફગાવી છે.
જનકસિંહ પરમાર નામના અરજદારે વર્ષ 2022માં જાહેરહિતની અરજી કરી હતી. જેમાં જણાવ્યા મુજબ, અમદાવાદમાં એક ડેવલપરે સ્મોલ સ્ટોન મસ્જિદ કે જે પુરાતન વારસા અને વૈભવ ધરાવતી મસ્જિદ છે. તેના 100 મીટરના વિસ્તારમાં બાંધકામ કરવામાં આવી રહ્યું છે. આવા બાંધકામની મંજૂરી આપી શકાય નહીં. આ સંદર્ભે હાઇકોર્ટે ડેવલપર, આર્કિઓલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા અને અમદાવાદ મ્યુ. કોર્પોરેશન સહિતના પક્ષકારોનો જવાબ માગ્યો હતો.
આ જવાબમાં એવું સામે આવ્યું હતું કે, આર્કિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા દ્વારા પુરતી તપાસ કરાવીને બિલ્ડરને ’નો ઓબ્જેક્શન’ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. એટલે કે, મસ્જિદના 100 મીટરના વિસ્તારમાં બિલ્ડરે બાંધકામ કર્યું નહોતું. અરજદારનું કહેવું હતું કે, તે એક સામાજિક કાર્યકર છે. જ્યારે સામે પક્ષે અરજદારની ઓળખને શંકાસ્પદ ગણાવી હતી.
અરજદારે અગાઉ વર્ષ 2012માં એક જાહેરહિતની અરજી કરી હતી. જેમાં તે 17 વખત હાજર રહ્યો નહોતો અને અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો. અરજદાર ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે. તેની ઉપર ત્રણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. તેની ઉપર ખંડણી જેવા ગંભીર આરોપો પણ છે. તેની આ અરજી પણ બદદાનત સાથે કરવામાં આવી છે. તેની ઉપર સિવિલ અને ક્રિમિનલ કેસ મળીને કુલ 13 કેસો થયા છે. તે વિવિધ ઓથોરિટી સમક્ષ રજૂઆતો અને આરટીઆઇ કરીને લોકોને હેરાન પણ કરતો રહે છે.
