અમદાવાદમાં ગુજરાત હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ મામલે શિક્ષણ વિભાગના સચિવ સામે કડક વલણ અપનાવ્યું છે. બે શાળાઓની માન્યતા રદ કરવા સંબંધિત કેસની સુનાવણી દરમિયાન કોર્ટના અગાઉના આદેશનું પાલન ન થતા હાઇકોર્ટે શિક્ષણ વિભાગના સચિવને વ્યક્તિગત રીતે 1 લાખ રૂૂપિયાનો દંડ ફટકાર્યો છે.
કોર્ટ સમક્ષ રજૂ થયેલી વિગતો મુજબ, અગાઉ આપવામાં આવેલા આદેશોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું નહોતું. આ મુદ્દે હાઇકોર્ટે ગંભીર નોંધ લેતા જણાવ્યું હતું કે સરકારી અધિકારીઓ દ્વારા કોર્ટના આદેશોની અવગણના સ્વીકારી શકાય તેવી નથી. ન્યાયિક પ્રક્રિયા અને કોર્ટના આદેશોનું પાલન દરેક સરકારી તંત્રની જવાબદારી છે.
હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે દંડની રકમ સરકારના ભંડોળમાંથી નહીં પરંતુ સંબંધિત સચિવે વ્યક્તિગત રીતે ચૂકવવાની રહેશે. વધુમાં, આ દંડની રકમ વિદ્યાર્થીઓના કલ્યાણ અને શૈક્ષણિક હિત માટે ઉપયોગમાં લેવામાં આવશે. કોર્ટે આગામી સુનાવણી દરમિયાન દંડ ભર્યાની સત્તાવાર પહોંચ રજૂ કરવાનો પણ આદેશ આપ્યો છે. આ નિર્ણય બાદ સરકારી વિભાગોમાં કોર્ટના આદેશોના પાલન અંગે ગંભીર ચર્ચા શરૂૂ થઈ છે.
