ગુજરાત હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચૂકાદામાં સ્પષ્ટ કર્યું છે કે માત્ર ફોટોકોપીના આધારે મહેસૂલ અધિકારીઓ સ્ટેમ્પ ડ્યુટી કે દંડની આકરી વસૂલાતની કાર્યવાહી શરૂૂ કરી શકે નહીં. કાયદાકીય પ્રક્રિયાના ભંગ અને સત્તામર્યાદા બહાર જઈને કરાયેલી કાર્યવાહીને ધ્યાને રાખીને અદાલતે માંગણી આદેશ સંપૂર્ણપણે રદબાતલ ઠેરવ્યો છે અને અમદાવાદની હિમગીરી કોર્પોરેશન સામેની પુરતી સ્ટેમ્પ ડ્યુટીની રૂા.22.49 કરોડની ડિમાન્ડ ફગાવી દીધી હતી.
ગુજરાત સ્ટેમ્પ એક્ટ, 1958ની જોગવાઈઓ મુજબ, સ્ટેમ્પ ડ્યુટીની ખાધ વસૂલવા અથવા દંડ ફટકારવા માટે મૂળ દસ્તાવેજ જપ્ત કરીને કલેક્ટર સમક્ષ રજૂ કરવો કાયદાકીય રીતે અનિવાર્ય છે. આ કેસમાં મહેસૂલ વિભાગે મૂળ દસ્તાવેજો પોતાના કબજામાં લીધા વિના માત્ર ઝેરોક્ષ પ્રતના આધારે નોટિસો અને આદેશો જારી કર્યા હતા.
અરજદાર તરફે દલીલ કરવામાં આવી હતી કે મૂળ દસ્તાવેજ વિના શરૂૂ કરાયેલી કોઈપણ વસૂલાત પ્રક્રિયા કાયદાની નજરમાં અમાન્ય છે. હાઇકોર્ટે આ રજૂઆત સ્વીકારતા નોંધ્યું હતું કે મૂળ દસ્તાવેજો જપ્ત કર્યા વગર આકારણી કરવી એ કાયદાકીય જોગવાઈઓનું સીધું ઉલ્લંઘન છે અને કાયદાકીય માળખા વિના પસાર કરાયેલા આદેશો ટકી શકે નહીં. અદાલતે નીચલા સત્તામંડળના આદેશો રદ કર્યા છે, પરંતુ જો રાજ્ય સરકાર અને મહેસૂલ વિભાગ કાયદાકીય નિયમો અને પ્રક્રિયાનું સંપૂર્ણ પાલન કરીને નવેસરથી કાર્યવાહી કરવા ઈચ્છે તો તેની સ્વતંત્રતા આપી છે.
