મોનસૂન ટ્રફ એક્ટિવ થયું, સાત દિવસ સુધી મોટાભાગના જિલ્લાઓમાં ધમાકેદાર વરસાદ
હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા, સાબરકાંઠા,અરવલ્લી, આણંદ, ખેડા, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂૂચ, સુરત, વલસાડ, નવસારી, તાપી, અમરેલી અને બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં ચાલુ વર્ષે મોસમનો કુલ સરેરાશ વરસાદ 53.39 ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ રીઝીયનમાં 63.35 ટકા ત્યારબાદ દક્ષિણ ગુજરાત રીઝીયનમાં 56.32 ટકા, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં 52 ટકાથી વધુ અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 50.06 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.ચોમાસા દરમિયાન રાજ્યના 141 તાલુકામાં 251થી 500 મિમિ સુધી, 55 તાલુકામાં 501થી 1000 મિમિ તેમજ 18 તાલુકામાં 1000 મિમિથી વધુ એટલે કે 40 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં સારો વરસાદ થવાથી જળાશયોમાં નવા નીર આવ્યા છે. ઝોન વાઈઝ ડેમની સ્થિતિ જોઈએ તો, ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 54.66, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 65.70, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 59.11, કચ્છના 20 ડેમમાં 56.24, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 64.52 અને સરદાર સરોવર જળાશયમાં 56.78 ટકા પાણીનો જથ્થો છે. રાજ્યમાં ઉત્તર ગુજરાતમાં એક પણ ડેમ છલોછલ ભરાયો નથી. મધ્ય ગુજરાતના બે, દક્ષિણ ગુજરાતમાં પાંચ, કચ્છમાં પાંચ, સૌરાષ્ટ્રમાં 16 ડેમ છલોછલ ભરાઈ ગયાં છે.રાજ્યના 207 જળાશયોમાં 59.03 ટકા પાણીનો જથ્થો છે.
