કાળઝાળ ગરમીનો પ્રકોપ: લૂ લાગવાથી મનપા કર્મચારીનું ઝાડા-ઉલટીથી મોત

બપોરના સમયે ઘરે બેભાન થઈ ગયા બાદ સિવિલમાં સારવાર મળે તે પહેલા જ કલ્પેશભાઈનું મોત,પરિવારમાં શોકનું મોજું શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા…

બપોરના સમયે ઘરે બેભાન થઈ ગયા બાદ સિવિલમાં સારવાર મળે તે પહેલા જ કલ્પેશભાઈનું મોત,પરિવારમાં શોકનું મોજું

શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે, ત્યારે આ ધોમધખતા તડકા અને આકરી લૂએ એક માનવ જિંદગીનો ભોગ લીધો છે. શહેરના બેડીનાકા વિસ્તારમાં રહેતા અને રાજકોટ મહાનગર પાલિકામાં ફરજ બજાવતા 54 વર્ષીય કલ્પેશભાઈ કિરીટભાઈ વ્યાસનું ગરમીની અસરોને કારણે કરુણ મૃત્યુ નીપજ્યું છે. વિગત મુજબ, કલ્પેશભાઈને છેલ્લા બે દિવસથી અસહ્ય ગરમીને કારણે લૂ લાગી ગઈ હતી, જેના કારણે તેઓને સતત ઝાડા-ઉલટીની ફરિયાદ રહેતી હતી. આ બીમારીના કારણે તેમની તબિયત લથડતા આજે બપોરે આશરે 12 વાગ્યાના અરસામાં તેઓ પોતાના ઘરે જ એકાએક બેભાન થઈ ગયા હતા.

પરિવારજનો દ્વારા તાત્કાલિક તેઓને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કરતા પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો. મૃતક કલ્પેશભાઈ સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી ધરાવતા હતા અને તેમના જવાથી મનપાના કર્મચારી આલમમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

બીજી ઘટનાની વિગત મુજબ,મોરબી રોડ પર આવેલી જય જવાન જય કિશાન સોસાયટીમાં રહેતા 29 વર્ષીય બેનાબેન હરેશભાઈ કોળીનું પણ અકાળે અવસાન થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બેનાબેનને પેરેલીસીસ એટલે કે લકવાનો હુમલો આવતા તેઓનું મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મૃતક મહિલાને અગાઉ પણ બે વખત લકવાના હુમલા આવી ચૂક્યા હતા, અને આ ત્રીજો હુમલો જીવલેણ સાબિત થયો હતો. બેનાબેનને સંતાનમાં બે બાળકો છે, જેઓએ માતાની છત્રછાયા ગુમાવતા સોસાયટીમાં ગમગીની વ્યાપી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *