રાજકોટમાં હાર્ટએટેકનો ફૂંફાડો કરિયાણાના વેપારી સહિત 4નાં મોત

રાજકોટ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાના બનાવોમાં તિવ્ર ઉછાળો આવ્યો છે ત્યારે રાજકોટમાં હાર્ટએટેકે ફુંફાળો માર્યો હોય તેમ છેલ્લા 24 કલાકમાં કરિયાણાના વેપારી…

રાજકોટ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાના બનાવોમાં તિવ્ર ઉછાળો આવ્યો છે ત્યારે રાજકોટમાં હાર્ટએટેકે ફુંફાળો માર્યો હોય તેમ છેલ્લા 24 કલાકમાં કરિયાણાના વેપારી સહિત ચાર લોકોના હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યાં છે. મહિકા ગામે વાડીએ પાણી વાળતા ખેડૂત આધેડ અચાનક ઢળી પડયા હતાં ત્યારે ગાયત્રીધામ સોસાયટીમાં રહેતાં કરિયાણાના વેપારી, લોઠડા ગામે પરપ્રાંતિય યુવાન અને કોઠારીયા રોડ પર પ્રૌઢાને હાર્ટએટેક જીવલેણ નિવડયો હતો.

જાણવા મળતી વિગત મુજબ, જામનગર રોડ પર ગાયત્રીધામ સોસાયટીમાં રહેતાં અને કરિયાણાની દુકાન ધરાવતાં જેન્તીભાઈ ગોવિંદભાઈ કણસાગરા (ઉ.51) નામના આધેડ આજે વહેલી સવારે પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઈ જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે હાર્ટએટેકથી મરણ ગયાનું જાહેર કરતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક જેન્તીભાઈ ચાર ભાઈ એક બહેનમાં નાના અને તેમને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.

બીજા બનાવમાં કોઠારીયા રોડ પર લાલપાર્ક નજીક આવેલા સરદાર પાર્ક શેરી નં.2માં રહેતાં વાઘજીભાઈ બચુભાઈ ખુંટ (ઉ.48) નામના આધેડ આજે સવારે મહિકા ગામે પોતાની વાડીએ પાણી વાળતા હતાં. દરમિયાન અચાનક હૃદયરોગનો હુમલો આવતાં ઢળી પડતાં તેમને સારવાર માટે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ સારવાર મળે તે પહેલા તેમનું મોત નિપજ્યું હતું. મૃતક બે ભાઈમાં નાના અને તેમને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.

ત્રીજા બનાવમાં લોઠડા ગામે જયનાથ ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં રહેતો કનૈયાલાલ જગ પ્રસાદ ગોસ્વામી (ઉ.36) નામનો યુવાન આજે સવારે પોતાના ઘરે હતો ત્યારે છાતીમાં દુ:ખાવો ઉપડતાં બેભાન થઈ ઢળી પડતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કર્યુ હતું. જ્યારે ચોથા બનાવમાં કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાછળ આવેલી ગણેશ સોસાયટીમાં રહેતાં ગનુબેન રાજાભાઈ રાણેસરા (ઉ.57) નામના પ્રૌઢા આજે સવારે બેભાન થઈ ઢળી પડતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે હાર્ટએટેક આવતાં મોત થયાનું જાહેર કર્યુ હતું. આ બનાવથી મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *