જામનગરના બર્ધનચોકમાં પાથરણા-લારીવાળાનો ત્રાસ, દુકાનદારો મુખ્યમંત્રીને કરશે રૂબરૂ ફરિયાદ

દુકાનની આગળ જ પાથરણા-લારીવાળા ડેરા તંબુ તાણીને બેસી જતા હોવાની રાવ, સ્થાનિક તંત્ર પગલા ન લેતા વેપારીઓ કરશે ગાંધીનગર કૂચ જામનગરના લોકોની અવર જવરથી સતત…

દુકાનની આગળ જ પાથરણા-લારીવાળા ડેરા તંબુ તાણીને બેસી જતા હોવાની રાવ, સ્થાનિક તંત્ર પગલા ન લેતા વેપારીઓ કરશે ગાંધીનગર કૂચ

જામનગરના લોકોની અવર જવરથી સતત ધમધમતા બર્ધનચોક, માંડવી ટાવર, દરબારગઢ, સીંધી માર્કેટ વિસ્તારો માં રસ્તા વચ્ચે, ફૂટપાથો પર ફેરીયાઓ, લારી-ગલ્લા, પાથરણાવાળાના દબાણો દૂર કરવા ની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં જામનગર મહાનગરપાલિકા તંત્ર તેમજ પોલીસ વિભાગ સદંતર નિષ્ફળ રહ્યું છે. આ વિસ્તારને સર્વોચ્ચ અદાલતે ’નો હોકીંગ ઝોન’ જાહેર કર્યો છે. તેમ છતાં વર્ષોથી મનપા તંત્ર સર્વોચ્ચ અદાલતના આદેશ મુજબ અહીં દબાણો હટાવવા અને નો હોકીંગ ઝોનની અમલવારી કરવામાં આંખ આડા કાન કરી રહ્યું છે. પરિણામે આ વિસ્તારના દુકાનદાર વેપારીઓને તેમના વેપાર-ધંધામાં, પોતાના વાહનો રાખવામાં, ગ્રાહકોને આવવા જવામાં તેમજ અહીં ખરીદીએ આવતા નગરજનોને ભારે પરેશાની ભોગવવી પડી રહી છે.

બે-ચાર મહિને એકાદ વખત દબાણો દૂર કરવાની કામગીરીના ફિયાસ્કા થાય છે. અને દબાણો ત્યાં જ ખડકાઇ જતા હોવાથી આવી “બહાદુરી દર્શાવતી” કામગીરી હાસ્યાસ્પદ અને નાટક સમાન પૂરવાર થઈ રહી છે. આ વિસ્તારના બર્ધનચોક વ્યાપારી એસોસિએશન તેમજ વેપારીઓ, જાગૃત નાગરિકોએ મનપા તંત્રમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં સ્થિતિ વધુને વધુ ગંભીર બનતી જાય છે.

આ સંજોગોમાં હવે બર્ધનચોક વ્યાપારી અસો.ના પ્રતિનિધિ મંડળે ગુજરાતના મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીને રૂૂબરૂૂ મળી આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે રજૂઆત કરવાનો નિર્ણય કર્યો છે. જે માટે આ એસો. દ્વારા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની રૂૂબરૂૂ મુલાકાતનો સમય માંગ્યો છે. ગાંધીનગરથી જામનગર મનપાને કડક આદેશ આપવામાં આવે અને આ સમગ્ર વિસ્તારને દબાણોની સમસ્યાથી મુક્ત કરાવે તથા નો હોકીંગ ઝોનની કડક અમલવારી કરાવે તેવી માંગણી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *