જામનગર શહેરના વાલકેશ્વરી નગરી વિસ્તારમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતાં સીટી ‘બી’ ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતકની ઓળખ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જામનગર સીટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.એસ. કલમ-194 મુજબ નોંધ કરવામાં આવી છે.
જાહેર કરનાર હિતેશગીરી લાલગીરી ગોસાઈ (ઉ.વ. 39), સામાજિક કાર્યકર, ગાંધીનગર બ્લોક નં. ઈ-24, જામનગર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી, કે વાલકેશ્વરી નગરી વિસ્તારમાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઉંમર આશરે 25 થી 30 વર્ષ હોવાનું અનુમાન છે. પ્રાથમિક તપાસમાં કોઈપણ પ્રકારની બીમારીના કારણે તેનું મૃત્યુ થયાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.
હાલ સુધી મૃતકની ઓળખ થઈ શકી નથી તેમજ તેના કોઈ વાલી-વારસદાર પણ મળી આવ્યા નથી. જેના કારણે પોલીસે મૃતકની ઓળખ મેળવવા અને તેના પરિવારજનો સુધી પહોંચવા માટે જાહેર અપીલ કરી છે. મૃતક અંગે કોઈપણ પ્રકારની માહિતી ધરાવતા વ્યક્તિઓને જામનગર સીટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના ફોન નંબર 63696 29353 અથવા તપાસ અધિકારી પી.એસ.આઈ. એસ.જી. કેશવાલા ના મોબાઇલ નંબર 63532 38797 તથા 98700 66928 પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા મૃતકની ઓળખ અને તેના પરિવારજનોની શોધખોળ માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
