ગુજરાત પોલીસે સ્માર્ટ અને ટેક્નોલોજી આધારિત પોલિસિંગની દિશામાં એક મહત્વનું પગલું ભર્યું છે.
રાજ્ય પોલીસે એઆઈ આધારિત વિડિયો એનાલિટિક્સ અને સીસીટીવી ઇન્ટિગ્રેશન માટે દેશની સૌથી મોટી હેકાથોન યોજવાની જાહેરાત કરી છે. આ હેકાથોન દ્વારા રાજ્યના 80 હજારથી વધુ સીસીટીવી કેમેરાને એક જ નેટવર્ક પર જોડવાની યોજના છે. સ્પર્ધકોને કુલ રૂૂ. 37 લાખના ઇનામો આપવામાં આવશે. ખાસ વાત એ છે કે દેશમાં પહેલીવાર સ્પર્ધકોને લાઇવ સીસીટીવી કેમેરા ફીડ્સ પર વાસ્તવિક જાહેર સુરક્ષા સોલ્યુશન્સ તૈયાર કરવાની તક મળશે.
ગુજરાત પોલીસના અધિકારીઓ અનુસાર આ પહેલ ગુજરાત પોલીસ ઇનોવેશન ચેલેન્જ 2026 હેઠળ હાથ ધરવામાં આવી રહી છે. તેનો મુખ્ય હેતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વિડિયો એનાલિટિક્સનો ઉપયોગ કરીને જાહેર સુરક્ષા, ગુનાની રોકથામ અને ટ્રાફિક વ્યવસ્થાપનને વધુ અસરકારક બનાવવાનો છે.
સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક વ્યક્તિઓ અને ટીમો માટે નિયમો, પાત્રતા અને માર્ગદર્શિકા સત્તાવાર પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ હેકાથોન સપ્ટેમ્બર મહિનામાં શરૂૂ થવાની સંભાવના છે. ગુજરાત પોલીસે કહ્યું છે કે આ પહેલ દ્વારા રાજ્યમાં હાલમાં કાર્યરત સીસીટીવી નેટવર્કને વધુ મજબૂત અને બુદ્ધિશાળી બનાવવામાં મદદ મળશે.
તેનાથી પોલીસને રીઅલ-ટાઇમ મોનિટરિંગ અને ઝડપી પ્રતિક્રિયા આપવામાં સરળતા થશે. વધુ વિગતો માટે નાગરિકોને સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવી છે.
