9%થી વધુ વિકાસ દર નોંધાવનારા 17 રાજ્યોમાં ગુજરાત સામેલ

ગુજરાત-મહારાષ્ટ્ર-કર્ણાટકે ટેક્નિકલ અને ઓદ્યોગીક વિકાસમાં મેદાન માર્યું, કેરળ-રાજસ્થાન-ગોવા પ્રવાસન ક્ષેત્રે આગળ ‘બીજા કવાર્ટરમાં દેશનો વિકાસ દર 5.4% રહ્યો, પણ 25 રાજ્યોનો દેખાવ ખૂબ સારો’ બીજા…

ગુજરાત-મહારાષ્ટ્ર-કર્ણાટકે ટેક્નિકલ અને ઓદ્યોગીક વિકાસમાં મેદાન માર્યું, કેરળ-રાજસ્થાન-ગોવા પ્રવાસન ક્ષેત્રે આગળ

‘બીજા કવાર્ટરમાં દેશનો વિકાસ દર 5.4% રહ્યો, પણ 25 રાજ્યોનો દેખાવ ખૂબ સારો’

બીજા ક્વાર્ટરમાં દેશની જીડીપી ભલે ઘટીને 5.4 ટકા થઈ ગઈ હોય પરંતુ કોવિડ 19 બાદ ગુજરાત સહીત દેશના 17 રાજ્યોએ 9 ટકાનો વિકાસ દર હાંસીલ કર્યો છે. ગુજરાતે કર્ણાટક અને મહારાષ્ટ્રની સાથે ટેકનીકલ તથા ઔદ્યોગીક વિકાસમાં 9 ટકાથી વધુ ગ્રોથ હાંસલ કર્યો છે. રાજય સરકારના વાઇબ્રન્ટ સમિટના કારણે ગુજરાતમાં ઔદ્યોગીક ક્ષેત્રે રોકાણ વધતા દેશના જીડીપીમાં ગુજરાતે મહત્વનું યોગદાન આપ્યું છે.


પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના રિપોર્ટ મુજબ, 25 રાજ્યોએ નાણાકીય વર્ષ 2021-22 અને 2022-23 દરમિયાન તેમના ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં 7 ટકાથી વધુ વૃદ્ધિ કરી છે. આ રિપોર્ટમાં જણાવાયુ છે કે તેમાંથી 17 રાજ્યોએ 9 ટકાના વિકાસ દરને પાર કરી લીધો છે. જેમાં ગુજરાત, કેરળ, તેલંગાણા, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, બિહાર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને જેવા રાજ્યોનો સમાવેશ થાય છે.


પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના રિપોર્ટ મુજબ પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ કૃષિ ઉત્પાદનમાં અગ્રણી છે. તો છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ઓડિશાએ ખનિજ સંપત્તિનો ઉપયોગ કરીને ઔદ્યોગિક પ્રગતિ કરી છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકે ટેકનિકલ અને ઔદ્યોગિક વિકાસમાં સારો દેખાવ કર્યો છે. કેરળ, રાજસ્થાન અને ગોવા જેવા પ્રવાસન રાજ્યોએ ભારતના સાંસ્કૃતિક વારસાનો લાભ લીધો છે, જેના કારણે વિદેશી હૂંડિયામણ વધ્યું છે.


તમિલનાડુ અને આંધ્ર પ્રદેશે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં સારી એવી પ્રગતિ કરી છે. જ્યારે રાજસ્થાન અને ગુજરાતે પુન:પ્રાપ્ય ઉર્જામાં સારો એવો વિકાસ કર્યો છે. પૂર્વોત્તર રાજ્યોમાં કનેક્ટિવિટી સુધારે આ પ્રદેશોને વેપાર અને પર્યટનના હબમાં પરિવર્તિત કર્યા છે. કેરળ અને તમિલનાડુએ શિક્ષણ અને આરોગ્ય સેવાઓમાં નવાચાર લાવીને માનવ વિકાસ સૂચકાંકમાં સુધારો કર્યો છે. ગુજરાતમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ, પંજાબમાં ઙઈંઝઊડ ટ્રેડ ફેર અને તેલંગાણામાં આઈટી કોરિડોર જેવી પહેલોએ વિદેશી રોકાણકારોને આકર્ષ્યા છે.

હવે ફિચે પણ વિકાસ દરનો અંદાજ ઘટાડયો
એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી) પછી, ફિચ રેટિંગ્સે નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજને ઘટાડીને 6.4 ટકા કર્યો છે. રેટિંગ એજન્સીએ અગાઉ દેશની અર્થવ્યવસ્થા 7.0 ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ મૂક્યો હતો. ગયા અઠવાડિયે મોનેટરી પોલિસી કમિટીની સમીક્ષા બાદ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ તેની વૃદ્ધિ અનુમાન 7.2 ટકાથી ઘટાડીને 6.6 ટકા કર્યા પછી, શુક્રવારે ફિચ રેટિંગ્સે આ સુધારો કર્યો હતો. એજન્સીએ તેના તાજેતરના અંદાજમાં જણાવ્યું છે કે ભારતનો જીડીપી નાણાકીય વર્ષ 2024-25માં 6.4 ટકા અને નાણાકીય વર્ષ 2025-26માં 6.5 ટકાના દરે વૃદ્ધિ પામશે, જે નાણાકીય વર્ષ 2023-24માં 8.2 ટકા વૃદ્ધિ દર કરતાં ધીમી રહેશે .


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *