ધારાસભ્યો-સાંસદો-માજી સાંસદો અને સીએમથી માંડી પીએમ સુધીના નેતાઓને પીરસાયો સુરતી વાનગીઓનો રસથાળ
કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટિલે ગઇ કાલે સાંજે તેમના દિલ્હીના નિવાસે ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યો-પ્રધાનો, સાંસદો તેમજ કેન્દ્રીય મંત્રીઓના ભોજન સમારંભનું આયોજન કર્યુ હતુ. આ ભોજન સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઉપરાંત વડાપ્રધાન મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા તથા કેન્દ્રીય પ્રધાનોએ ‘ઉંધીયુ’ આરોગ્યુ હતુ. પાટીલ આગામી જાન્યુઆરીમાં ગુજરાત ભાજપનું પ્રમુખપદ છોડી રહયા છે તે પૂર્વે તેમણે આ ભોજન સમારંભ યોજયો હોવાનું મનાય છે.
ભોજન સમારંભમાં ખાસ કરીને સુરતી વાનગી લોકોને પીરસવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે તમામ મહાનુભાવોએ સુરતી ઉંધીયાનો સ્વાદ માણ્યો હતો આ ઉપરાંત અલગ અલગ નોવેલ્ટી વાનગી ભોજનમાં લીધી હતી. ભોજન સમારંભ ના અંતે સી આર પાટીલે તમામ હાજર લોકોને હાથમાં રાખવાનું પાકીટ અને બોલપેન ભેટમાં આપી હતી.
આ સમારંભમાં ગુજરાત સરકાર ના સમગ્ર મંત્રીમંડળને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાત ભાજપના તમામ સાંસદો , ભાજપના તમામ ધારાસભ્ય તથા કેટલાક પૂર્વ સાંસદ ને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
વડાપ્રધાનના આગમન સમયે સીઆર પાટીલના પરીવારે પીએમને માતાજીની મૂર્તિ ભેટ સ્વરૂૂપે આપી હતી. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પણ આ સમારંભમાં હાજરી હતી. વડાપ્રધાન અને ગૃહમંત્રીની એક સાથે એન્ટ્રી થઈ એ સમયે રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિ તેમને નમસ્કાર કરતા હોય તેવી મુદ્રામાં જોવા મળ્યા હતા.
વડાપ્રધાન મોદીના આગમન બાદ હાજર તમામ લોકો સાથે ફોટો સેશન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત ભાજપના તમામ સાંસદ, ગુજરાત ભાજપના તમામ ધારાસભ્ય જોડાયા હતા. ભોજન સમારંભમાં પૂર્વ સાંસદ ભારતીબેન શિયાળ પણ હાજર રહ્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસની વંડી ઠેકીને આવેલા અર્જુન મોઢવાડિયા અને સી જે ચાવડા પણ હાજર રહ્યા હતા.