અંતિમ શ્ર્વાસ લેતા દાદીને મળવા જવા ન દેતા પૌત્રોએ સિકયુરીટી ગાર્ડને મેથી પાક આપ્યો!

ભાવનગરની સર ટી. હોસ્પિટલના PMSSY બિલ્ડિંગના ICU માં સારવાર હેઠળ રહેલા 91 વર્ષીય વૃદ્ધાને મળવા પહોંચેલા બે પૌત્રો અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે પ્રવેશ મુદ્દે બોલાચાલી…

ભાવનગરની સર ટી. હોસ્પિટલના PMSSY બિલ્ડિંગના ICU માં સારવાર હેઠળ રહેલા 91 વર્ષીય વૃદ્ધાને મળવા પહોંચેલા બે પૌત્રો અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે પ્રવેશ મુદ્દે બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો છે. આ ઘટનામાં સિક્યુરિટી ગાર્ડને ઈજા પહોંચતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યારે નાજુક સ્થિતિ વચ્ચે હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા અને મુલાકાતીઓ માટેના નિયમોના અમલ સામે પણ સવાલો ઊભા થયા છે.
મળતી વિગતો અનુસાર સવિતાબેન ઉપાધ્યાય (ઉ.વ. આશરે 91) ને એક સપ્તાહ અગાઉ PMSSY બિલ્ડિંગમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની તબિયત વધુ નાજુક થતાં અને તેઓ અંતિમ શ્વાસ લઈ રહ્યા હોવાથી સારવાર કરી રહેલા તબીબે સાંજના સમયે તેમના પૌત્ર નમનભાઈ ઉપાધ્યાય અને તેમના મોટા ભાઈને ફોન કરીને ઝડપથી છઠ્ઠા માળે મળવા માટે બોલાવ્યા હતા.

જોકે, હોસ્પિટલના દરવાજા પાસે નિતિન ચૌહાણ નામના સિક્યુરિટી ગાર્ડે બંને પૌત્રોને અટકાવીને નિયમ મુજબ કોઈ એક જ વ્યક્તિને દર્દીને મળવા જવા દેવાનું જણાવતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો.

આ ઘટના અંગે દર્દીના સંબંધી નમનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે તેમના દાદી સવિતાબેન અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા અને તેઓ સવારથી જ હોસ્પિટલમાં હતા. સાંજે તબિયત વધુ નાજુક થતાં તબીબે ફોન કરીને બંને ભાઈઓને મળવા બોલાવ્યા હોવા છતાં ગાર્ડે તેમને રોક્યા હતા. ગાર્ડને ખૂબ સમજાવ્યા છતાં જવા ન દેતાં બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ પોતાનો ધક્કો વાગી જતાં ગાર્ડને ઈજા પહોંચી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.

બીજી તરફ, સિક્યુરિટી સુપરવાઈઝર ચિરાગભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે PMSSY બિલ્ડિંગના મુખ્ય દરવાજા પર સિક્યુરિટી ગાર્ડ નિતિન ચૌહાણે દર્દીને મળવા આવેલા બંને ભાઈઓને એક પછી એક મળવા જવા જણાવ્યું હતું, પરંતુ તેઓ માન્યા નહોતા. અજાણ્યા વ્યક્તિએ ગાર્ડને ગાળો ભાંડી, ગળું દબાવી ધક્કો મારતાં ગાર્ડનું માથું દરવાજાના કાચ સાથે અથડાયું હતું, જેનાથી કાચ ફૂટી ગયો હતો અને ગાર્ડને ઈજા પહોંચી હતી.
તબીબે ફોન પર તાત્કાલિક બોલાવ્યા હોવા છતાં સર્જાયેલા વિવાદ અને મારામારીમાં ગાર્ડને કેવી રીતે ઈજા પહોંચી તે અંગે બંને પક્ષોએ અલગ-અલગ આક્ષેપ કર્યા છે. આ સમગ્ર મામલે હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા અને ICU જેવા સંવેદનશીલ વિભાગમાં મુલાકાતીઓ માટેના નિયમોના અમલ અંગે ચર્ચા જાગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *