ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આગામી 26 જુલાઈના રોજ યોજાનારી વર્ગ-1 અને વર્ગ-2ની વિવિધ જગ્યાઓ માટેની પ્રાથમિક કસોટી હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજ્યમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ તેમજ ઉમેદવારો તરફથી મળેલી રજૂઆતોને આધારે આયોગે આ નિર્ણય લીધો છે. આ પરીક્ષામાં અનેક જાહેરાતો હેઠળની જગ્યાઓ માટે સંયુક્ત પ્રાથમિક કસોટી યોજાવાની હતી.
આયોગે જણાવ્યું છે કે ઉમેદવારોની સુરક્ષા અને સુવિધાને પ્રાથમિકતા આપીને પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાની નવી તારીખ અંગેની જાહેરાત GPSCદ્વારા આગામી સમયમાં કરવામાં આવશે. ઉમેદવારોએ આયોગની સત્તાવાર વેબસાઇટ પર નિયમિત અપડેટ માટે નજર રાખવી જોઈએ.
