77મા પ્રજાસત્તાક દિન- 2026ની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત નવીન રચાયેલ વાવથરાદ જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ થરાદના મલુપુર ખાતે સરહદનો સાદ નુતન વાવથરાદ મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યપાલએ જણાવ્યું હતું કે, વાવ- થરાદ નવો જિલ્લો બન્યા બાદ પ્રથમ વખત અહીં પ્રજાસત્તાક પર્વની આટલી ભવ્ય અને દિવ્ય ઉજવણી થઈ રહી છે, જે બદલ સમગ્ર જિલ્લાવાસીઓ અભિનંદનને પાત્ર છે.
રાજ્યપાલએ જણાવ્યું કે, “ગુજરાતમાં રાજ્યપાલ તરીકેના મારા કાર્યકાળ દરમિયાન મેં અનેક ભવ્ય કાર્યક્રમો જોયા છે, પરંતુ અહીંની જનતામાં જે શાલીનતા, સભ્યતા અને સરળતા જોવા મળી છે તેવી મેં અગાઉ ક્યારેય જોઈ નથી. અહીંના લોકો ખૂબ જ ભલા અને સંસ્કારી છે.” તેમણે મુખ્યમંત્રી દ્વારા નવરચિત જીલ્લા માટે જાહેર કરાયેલા વિવિધ વિકાસ કાર્યો અને ભંડોળને બિરદાવતા કહ્યું હતું કે, નવો જિલ્લો બનતા હવે આ વિસ્તારના વિકાસને વધુ વેગ મળશે. રાજ્યપાલએ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના પ્રયાસો અને બનાસ ડેરીના યોગદાનની પ્રશંસા કરતા કહ્યું કે, આ રણ પ્રદેશ જેવા વિસ્તારને હરિયાળો બનાવવામાં સહકારી પ્રવૃત્તિઓનો મોટો ફાળો છે. આ સાથે તેમણે માતા પિતાને અપીલ કરી હતી કે, દીકરા-દીકરીના શિક્ષણમાં ભેદભાવ રાખ્યા વગર બાળકોને ઉચ્ચ શિક્ષણ આપો અને તેમને વ્યસનમુક્ત તથા સંસ્કારવાન બનાવો જેથી તેઓ કુળ અને દેશનું ગૌરવ વધારી શકે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે નવીન રચાયેલા વાવથરાદ જિલ્લામાં 77માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની પ્રથમ ધ્વજવંદન ઉજવણી યોજાઈ રહી છે એ મારા માટે ગૌરવ અને આનંદની ક્ષણ છે. આ જિલ્લાની જનતામાં આજે સવારથી જે ઉમંગ, ઉત્સાહ અને દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે, તે આ ઐતિહાસિક પળને વધુ યાદગાર બનાવે છે. આ પાવન અવસરે તેમણે સૌને 77માં પ્રજાસત્તાક પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. 1947માં આપણે અંગ્રેજોની ગુલામીમાંથી સ્વતંત્રતા મેળવી,ત્યારબાદ ડો. બાબાસાહેબ આંબેડકરે આપેલા સંવિધાન થકી આપણને લોકશાહીનો માર્ગ બતાવ્યો અને પ્રજાસત્તાક પર્વ ઉજવવાનો અધિકાર આપ્યો.પ્રજાસત્તાક પર્વ એ 140 કરોડ ભારતીયોના લોકશાહી પરના અતૂટ વિશ્વાસનું પ્રતિક છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલો ’ઇઝી ઓફ લિવિંગ’નો મંત્ર આજે વાવથરાદમાં સ્પષ્ટ રીતે સાકાર થતો જોવા મળે છે. રાજ્ય સરકારે રોડ-રસ્તા, શિક્ષણ, આરોગ્ય અને કનેક્ટિવિટી જેવા ક્ષેત્રોમાં વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું થરાદ નગરપાલિકાને એ-ગ્રેડમાં ઉન્નત કરવામાં આવી છે, જેના પરિણામે હવે તેને વાર્ષિક 12 કરોડ રૂૂપિયાની ગ્રાન્ટ મળશે. રાધા નેસડા અને મસાલી ગામોએ જિલ્લાને ગ્રીન એનર્જીમાં આગવી ઓળખ અપાવી છે. આવનારા સમયમાં વાવથરાદ જિલ્લો સોલાર એનર્જીમાં અગ્રેસર બને એ સરકારનો દ્રઢ નિર્ધાર છે તેવો મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, વાવ – થરાદ જિલ્લાની રચના બાદ માત્ર સાડા ત્રણ મહિનામાં કલેક્ટર કચેરીના ભૂમિપૂજન સાથે રૂૂ. 207 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવું એ ઐતિહાસિક ક્ષણ છે. સાથે તેમણે નવા વાવ થરાદ જિલ્લાની ભેટ આપવા બદલ સરહદી વિસ્તારના લોકો મુખ્યમંત્રીના ઋણી રહેશે તેમ ઉમેર્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન અને નોંધપાત્ર યોગદાન આપનાર જિલ્લાની 16 વિશિષ્ટ વ્યક્તિઓનું રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું, જે જિલ્લા માટે ગૌરવની ક્ષણ બની રહી હતી. આ પ્રસંગે વિકાસ વિરાસત અને વિશ્વાસનું પ્રતીક વાવ થરાદ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર જે.એસ પ્રજાપતિએ સ્વાગત પ્રવચન કરતાં સૌને આવકાર્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને વિકાસ કાર્યો માટે રૂૂ.2.50 કરોડના ચેક અર્પણ કર્યા હતા. આ પ્રસંગે રૂૂ. 23.23 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા 06 વિકાસ કામોનું લોકાર્પણ તેમજ રૂૂ. 184.32 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 19 નવા કામોનું ખાતમુહૂર્ત કરી જિલ્લાને રૂૂપિયા 207 કરોડના વિકાસની ભેટ આપવામાં આવી હતી
