ફેબ્રુઆરી 2026ના બજેટ પહેલા નવી જંત્રી લાગુ કરી દેવાશે, અનેક ગ્રામ્ય વિસ્તારોમાં શહેરો કરતા પણ જંત્રી દર વધી જશે
ગુજરાત વિધાનસભામાં સંભવત: ફેબ્રુઆરી-2026ના બીજા અઠવાડિયામાં સરકારનું બજેટ સત્ર શરૂૂ થશે. તે અગાઉ રાજ્ય સરકાર દ્વારા જમીન, મકાન-મિલકતો પર વૈજ્ઞાનિક જંત્રીનો અમલ શરૂૂ કરાશે. જેના કારણે રાજ્યના શહેરી-ગ્રામ્ય વિસ્તારોમાં જમીન-મિલકતોના જંત્રીના દર અને ભાવમાં વધઘટ થશે. ગુજરાતમાં વર્ષ 2006માં નવી જંત્રીના દર નક્કી કરવા માટે સર્વે કરાયો હતો અને વર્ષ 2008માં તેનો અમલ કરવાની જાહેરાત કરાઈ હતી પરંતુ જંત્રીના દરમાં અતિ-ભારેખમ વધારો કરાયો હોવાથી ચારેકોરથી વિરોધના સૂર ઉભા થયા હતા અને જમીન-મિલકતો મોંઘીદાટ થઈ હતી એટલે સરકારે તેમાં સુધારો કરીને રાજ્યમાં 18મી, એપ્રિલ-2011થી નવી જંત્રી અમલી બનાવાઈ હતી.
સામાન્ય રીતે મહેસૂલ વિભાગની કાર્ય-પધ્ધતિ મુજબ દર વર્ષે નવેસરથી જંત્રીના દર નક્કી કરીને તેનો અમલ કરાતો હોય છે પરંતુ એપ્રિલ-2011થી અમલમાં આવેલી નવી જંત્રીની વિરોધાત્મક અસરની તીવ્રતા એટલી હતી કે ત્યારબાદ રાજ્ય સરકારે, કે મહેસૂલ વિભાગે દર વર્ષે જંત્રીના નવા દર અમલમાં મૂકવાને બદલે 12 વર્ષ બાદ એટલે કે 13મી, એપ્રિલ-2023થી અમલમાં આવે તે રીતે નવી જંત્રી અમલમાં મૂકી હતી.
ગુજરાત સરકાર દ્વારા તે વખતે પણ અમલમાં મૂકાયેલી જંત્રીના દર બમણા કરી દેવાતા રાજ્યભરમાં લોકો ઉપરાંત બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલો વર્ગ, વિવિધ શહેરોના બિલ્ડર્સ એસોસિએશન, ગાહેડ અને ક્રેડાઈ જેવી સંસ્થાઓએ પણ વિરોધનો સૂર વ્યક્ત કર્યો હતો પરિણામ સ્વરૂૂપ ફરી એકવાર આ બમણાં દરવાળી નવી જંત્રીનો અમલ રોકીને એક ઠરાવ દ્વારા 20મી, નવેમ્બર-2024ના રોજ મુસદ્દારૂૂપ જંત્રીની માર્ગદર્શિકા જાહેર કરીને તેની સામેના વાંધા-સૂચનો મંગાવ્યા હતા. જેમાં સરકારે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં હજારો નવા વેલ્યુઝોન નક્કી કરીને વૈજ્ઞાનિક ઢબે જમીન-મિલકતોની બજાર કિંમતો નક્કી કરી હતી અને ઠરાવ મુજબ સરકારે લોકો કે સંબંધિતો પાસેથી વાંધા-સૂચનો મેળવીને રાજ્યના તમામ મહાનગરો, નાના-મોટા શહેરો, ગામો, તાલુકા, જિલ્લાઓની જમીન-મિલકતોના જંત્રીના દર નક્કી કર્યા હતા.
હાલની સ્થિતિએ રાજ્ય સરકાર અર્થાત મહેસૂલ વિભાગ પાસે નવી વૈજ્ઞાનિક રીતે તૈયાર કરાયેલી નવી જંત્રી તૈયાર છે. અત્યાર સુધી પ્રશ્ન એ હતો કે, આ નવા જંત્રીનો અમલ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ક્યારે કરાશે, તો મહેસૂલ વિભાગમાંથી પ્રાપ્ત થયેલા સંકેત મુજબ હવે, આ નવી જંત્રીનો અમલ જાન્યુઆરી-2026ના અંત સુધીમાં શરૂૂ કરી દેવાશે એટલે કે ફેબ્રુઆરી-2026ના મધ્યમાં સરકારનું વાર્ષિક બજેટ સત્ર શરૂૂ થાય તે અગાઉ સરકાર નવી જંત્રીનો અમલ શરૂૂ કરી દેવાના મૂડમાં છે.
આ નવી જંત્રીમાં બાંધકામના પ્રકારની વ્યાખ્યાઓ કરાશે, જેમાં ખુલ્લી જમીન, આર.સી.સી. સ્ટ્રક્ચર, લોર્ડ બેરીંગ સ્ટ્રકચર, આર.સી.સી.ના પાકા અને પતરાવાળા ઔદ્યોગિક શેડનો સમાવેશ કરાશે
શહેરી વિસ્તારોમાં મહાનગરપાલિકા વિસ્તાર, શહેરી વિકાસ સત્તામંડળ વિસ્તાર, જઈંછ વિસ્તાર, નગરપાલિકા, વિકાસ સત્તામંડળ, શહેરી વિકાસ વિભાગ દ્વારા ખાસ કિસ્સામાં સ્થાપવામાં આવેલ સત્તામંડળ અથવા નોટિફાઇડ વિસ્તારો જયારે ગ્રામ્ય વિસ્તારમાં એટલે કે જેનો શહેરી વિસ્તારમાં સમાવેશ થતો ન હોય તેવા વિસ્તારોનો સમાવેશ કરાયો છે.
શહેરી-ગ્રામ્ય વિસ્તારોમાં બાંધકામના ભાવો, જૂના બાંધકામો હોય તો તેની કુલ બજાર કિંમતની વધુમાં વધુ રકમ, કારપેટ એરિયા, બિલ્ટ અપ એરિયા, ભોયરુ, ગ્રાઉન્ડ ફ્લોર સહિતના અલગઅલગ ફ્લોરના ભાવો
વાણિજ્ય હેતુ સંબંધિત વેલ્યુઝોન, મિલકતની આજુબાજુની ખુલ્લી જમીન ફ્લેટ કે વાણિજય વપરાશની જગ્યાની બાજુની ખુલ્લી જમીનનું મૂલ્યાંકન, કાર પાર્કિંગ વિસ્તાર, બીન ખેતીના કામે ખરીદાયેલી ખેતીની જમીનનો સમાવેશ થાયફ છે.
નવી જંત્રીના અમલથી જમીન-મિલકતોના ભાવ પર કેવી અસર થશે?
જમીન-મિલકતોના ભાવ વધશે કે કેમ, તેનો જવાબ હાલને તબક્કે તો આ નવી જંત્રી અમલમાં મૂકાય ત્યારબાદ જ નવી જંત્રીના દરમાં ક્યાં, કેટલો વધારો કરાયો છે અને તે વાજબી પણ છે કે કેમ, અથવા આ નવી જંત્રીના કારણે રિઅલ એસ્ટેટ માર્કેટ ઉપર કેટલી અસર થશે ? જાહેરાત બાદ જણાશે. સરકારના સંકેત મુજબ એમ મનાય છે કે, આ નવી જંત્રી વૈજ્ઞાનિક ઢબે તૈયાર કરાઈ છે એટલે વિકસિત કે વિકાસશીલ વિસ્તારો અને શહેરોમાં જંત્રીના દર વધી શકે છે, જેના કારણે જમીન-મિલકતોના ભાવ વધી શકે છે અને અન્ય કેટલાક વિસ્તારમાં જંત્રીના દર યથવાત રખાય તે ઓછા કરાય તેવી પણ શક્યતા નકારી શકાતી નથી.
