ગાંધીનગર-કચ્છ સહિતના સ્થળોએ અલગ અલગ ટીમો બનાવીને દરેક ફાર્મની ચકાસણી, હાલ કોઈ શંકાસ્પદ કેસ નહીં
રાજ્યમાં બર્ડ ફ્લૂના ખતરાને ટાળવા માટે વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પશુપાલન વિભાગ દ્વારા જિલ્લામાં 18 જેટલી વિશેષ ટીમો બનાવીને વિવિધ તાલુકાઓમાં આવેલા મરઘાં ફાર્મ્સની ચકાસણી હાથ ધરવામાં આવી છે. સરહદી જિલ્લા કચ્છમાં બર્ડ ફલુની દહેશતના પગલે તપાસ બાદ વધુ એક જિલ્લામાં આવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાહતના સમાચાર એ છે કે ગાંધીનગર જિલ્લા કે કચ્છ જિલ્લામાં અત્યાર સુધી બર્ડ ફ્લૂનો એક પણ પોઝિટિવ કેસ કે રોગચાળો જોવા મળ્યો નથી. આ કામગીરી માત્ર આગોતરી સાવચેતીના ભાગરૂૂપે કરવામાં આવી રહી છે.
પશુપાલન વિભાગ દ્વારા પોલ્ટ્રી ફાર્મ માલિકોને બાયો-સિક્યુરિટી અને સ્વચ્છતાની ગાઈડલાઈનનું કડક પાલન કરવા સૂચના આપવામાં આવી છે.જિલ્લાના ચારેય તાલુકાઓમાં જ્યાં મોટા પાયે મરઘાં ફાર્મ આવેલા છે ત્યાં ટીમો દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.ઉવારસદ, પોર, વલાદ, પાલજ, પ્રાંતિયા અને મગોડી વિસ્તારના ફાર્મ્સ. બહિયલ, ધારીસણા, બિલમણા અને જલુન્દ્રા ખાતે ચકાસણી. ભિમાસણ, છત્રાલ અને વડાવસ્વામીમાં દેખરેખ. રંગપુર અને ઈટાદરાના મરઘાં ફાર્મ્સમાં તપાસ કરવામાં આવઈ છે. ગઈકાલે કચ્છના માંડવી, મુંદરા, અંજાર અને ભુજના 94 પોલ્ટ્રીકર્મીમાં તપાસ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા જણાવાયું છે કે જો કોઈ ફાર્મમાં પક્ષીઓના અચાનક કે શંકાસ્પદ મોત થાય, તો તાત્કાલિક પશુપાલન વિભાગને જાણ કરવી. આ ઉપરાંત ફાર્મમાં અવરજવર કરતા લોકો અને વાહનોના સેનિટાઈઝેશન પર ભાર મૂકવામાં આવ્યો છે. જિલ્લામાં પક્ષીઓના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવાની પ્રક્રિયા પણ સમયાંતરે હાથ ધરવામાં આવશે.
