મહારાષ્ટ્રમાં આગામી મુખ્યમંત્રીને લઈને ચાલી રહેલા સસ્પેન્સ હવે ટૂંક સમયમાં ખતમ થવાની સંભાવના છે. મહારાષ્ટ્રમાં સરકાર ગઠન પ્રક્રિયાને લઈને ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પહેલા મહારાષ્ટ્રના કાર્યવાહક સીએમ એકનાથ શિંદે સાથે બેઠક કરી. બાદમાં બંને નેતાઓએ દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપી ચીફ અજિત પવાર સાથે મુલાકાત કરી.
અમિત શાહના નિવાસસ્થાને થયેલી આ મુલાકાતની બે તસવીરો પણ સામે આવી છે. તેમાં એક તસવીરમાં અમિત શાહની સાથે દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે હાજર છે. તો વળી બીજી તસવીરમાં અમિત શાહ અને જેપી નડ્ડા સાથે અજિત પવાર, એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને પ્રફુલ્લ પટેલ ઊભા છે. તેમાં જ્યાં ફડણવીસ, પવાર અને પટેલ ખુશ દેખાઈ રહ્યા છે, તો વળી શિંદેનો ચહેરો થોડો ઉદાસ દેખાઈ રહ્યો છે.
મુંબઈથી દિલ્હી પહોંચતા જ એકનાથ શિંદે સીધા કૃષ્ણ મેનન માર્ગ પર આવેલા અમિત શાહના નિવાસસ્થાને પહોંચ્યા, જ્યાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પહેલાથી હાજર હતા.
દિલ્હી પહોંચ્યા બાદ એકનાથ શિંદેએ રિપીટ કર્યું કે, મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારના સીએમને અંતિમ રુપ આપવામાં કોઈ અડચણ નહીં આવે. અમિત શાહ સાથે મહત્વની બેઠક પહેલા તેમણે પત્રકારોને કહ્યું કે, મેં કાલે પ્રેસ કોન્ફરન્સમાં મારી ભૂમિકા સ્પષ્ટ કરી દીધી છે કે મહાયુતિના મુખ્યમંત્રીને લઈને અડચણ નથી. આ લાડલા ભાઈ દિલ્હી આવી ચુક્યા છે અને લાડલા ભાઈ મારા માટે કોઈ પણ અન્ય પદથી મોટા છે.
આ બાજુ સૂત્રોના જણાવ્યા અનુસાર, અમિત શાહના નિવાસ સ્થાને એકનાથ શિંદે સાથે લગભગ 20 મિનિટ સુધી વાતચીત ચાલી. વરિષ્ઠ સૂત્રો પાસેથી મળેલી જાણકારીના હવાલેથી જણાવ્યું છે કે, શિવસેનાએ અમિત શાહ સામે 4 પ્રસ્તાવ રાખ્યા છે. એમા જો મુખ્યમંત્રી શિવસેનાનો હશે તો શિવસેના પાસે પહેલાવાળા મંત્રાલય હોવા જોઈએ, બીજું, જો મુખ્યમંત્રી શિવસેનાનો નહીં હોય તો શિવસેનાને તેમના કોટામાંથી 5થી વધારે મહત્વના મંત્રાલય આપવામાં આવે. ત્રીજું જો શિવસેના તરફથી નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે બનશે તો તેમને ગૃહમંત્રાલય અથવા નાણામંત્રાલય આપવામાં આવે. ચોથું જો શિવસેના તરફથી કોઈ અન્ય નાયબ મુખ્યમંત્રી બનશે અને ભાજપ ગૃહ અને નાણામંત્રાલય નહીં આપે તો શિવસેનાને 4થી 5 મંત્રાલય આપવામાં આવે.