પાંચ દિવસનું સપ્તાહ કરવાની મુખ્ય માગણી, ખાનગી બેંકો રાબેતા મુજબ ચાલુ રહી
બેંક વર્કર્સ યુનિયન દ્વારા અપાયેલા રાષ્ટ્રવ્યાપી હડતાલના એલાનના પગલે રાજકોટમાં પણ આજે બેંક હડતાલ રહી હતી. આ હડતાલમાં સૌરાષ્ટ્ર-કચ્છના 5500 સહીત ગુજરાતના 15 હજાર જેટલા સરકારી બેંકોના કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતા. જયારે ખાનગી તથા સહકારી બેંકો રાબેતા મુજબ ચાલુ રહી હતી.
રાજકોટમાં આજે ફાઇવ ડે વીક સહીતની માંગણીઓને લઇને વિવિધ બેંક કર્મચારીઓએ દેખાવો યોજી સુત્રોચ્ચાર કર્યા હતા. ત્રણ દિવસની જાહેર રજા બાદ આજે ચોથા દિવસે બેંક યુનિયનોની હડતાલના પગલે સરકારી બેંકોમાં નાણાકીય વ્યવહાર ઠપ થઇ ગયા હતા અને ગ્રાહકો હેરાન થયા હતા.
દેશભરની જાહેરક્ષેત્ર તેમજ ખાનગી બેંકોના કર્મચારીઓના નવ યુનિયનોના બનેલા યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્રારા બેંકોમાં પાંચ દિવસના સપ્તાહના અમલીકરણની માંગણીના ટેકામાં દેશવ્યાપી બેંક હડતાલનું એલાન આપ્યું હતુ જેમાં વિવિધ બેંકોના 8લાખ જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ જોડાયા હતા.
અગાઉ આઈબીએ સાથે થયેલી સમજુતીઓ અને કરાર હેઠળ બેંકોમાં પાંચ દિવસનું સપ્તાહ શરૂૂ કરવા અને મહીનાના તમામ શનિવારે જાહેર રજા રાખવાનું નકકી થયુ હતુ જેના બદલામાં બેક કર્મચારીઓ સોમવારથી શુકવાર સુધી પ્રત્યેક દિવસ 40 મીનીટ વધુ કામ કરશે તેવી પણ સહમતિ સાધવામાં આવી હતી આ અંગે સરકારની સહમતીની રાહ જોવાય છે.
પરંતુ સરકારે આ બાબતના અમલીકરણ માટે હજુ સુધી કોઈ જાહેરાત ન કરતા સરકારનું ધ્યાન ખેંચવા માટે બેંક કર્મચારીઓએ હડતાલનું એલાન આપ્યું હતું. તેમ ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના મહામંત્રી જતિનભાઈ ધોળકીયાની એક અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.
યાદીના અંતે જણાવાયું છે કે તા.27-01-2026ની બેંક હડતાલમાં રાજકોટના 1500, સૌરાષ્ટ્ર-કચ્છના 5500 સહીત ગુજરાતભરના 15000 જેટલા કર્મચારીઓ જોડાશે અને પોતાની માંગણીઓનો પડઘો પાડશે. બેંક હડતાલને કારણે ગ્રાહકોને પડનાર સભવિંત મુશ્કેલી અંગે યુનિયન દિલગીરી વ્યકત કરે છે.
