14 વર્ષીય વૈભવ સૂર્યવંશી તેના IPL ડેબ્યૂ સાથે જ એક મોટો સ્ટાર બન્યો છે. ગયા શનિવારે લખનઉ સુપર જાયન્ટ્સ સામેની પોતાની ડેબ્યૂ મેચમાં તેણે 20 બોલમાં 34 રનની તોફાની ઇનિંગ રમી હતી. વૈભવ તેના IPL કારકિર્દીના પહેલા જ બોલ પર સિક્સર ફટકારવાને કારણે પણ ચર્ચામાં છે. આખું ક્રિકેટ જગત આ યુવા ક્રિકેટરને બિરદાવી રહ્યું છે, આ દરમિયાન ગૂગલ કંપનીના સીઈઓ સુંદર પિચાઈએ પણ વૈભવ સૂર્યવંશીની પ્રશંસા કરી છે.
સુંદર પિચાઈએ સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું કે તેઓ ફક્ત વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂને જોવા માટે જાગ્યા હતા. તેણે આશ્ચર્ય સાથે કહ્યું, હું આઠમા ધોરણના છોકરાને ઈંઙકમાં રમતા જોઈને જાગી ગયો. કેટલું શાનદાર ડેબ્યૂ. લખનઉ સામેની મેચમાં વૈભવ સૂર્યવંશીએ 34 રનની ઇનિંગ દરમિયાન 2 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે ઋષભ પંતે એડન માર્કરમની બોલિંગમાં વૈભવને સ્ટમ્પ આઉટ કર્યો, ત્યારે યુવા ભારતીય બેટ્સમેન રડવા લાગ્યો હતો. વૈભવ સૂર્યવંશીની આત્મવિશ્વાસપૂર્ણ ઇનિંગ્સ જોઈને રાજસ્થાન રોયલ્સના ચાહકોની આંખોમાં પણ આશાનું કિરણ છવાઈ ગયું. આ દરમિયાન, એક શોમાં ચર્ચા કરતી વખતે, ભૂતપૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે કહ્યું કે વૈભવ સૂર્યવંશીના માતાપિતા માટે આ ગર્વની ક્ષણ હશે.