ST બસના મુસાફરો માટે ખુશખબર, ઓનલાઈન પાસ સેવાનો ફરી પ્રારંભ

બે લાખથી વધુ પાસધારકોને લાંબી લાઈનમાં ઉભા રહેવાથી મુક્તિ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરતા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં…

બે લાખથી વધુ પાસધારકોને લાંબી લાઈનમાં ઉભા રહેવાથી મુક્તિ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરતા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ટેક્નિકલ કારણોસર જે ઓનલાઈન પાસ સેવા સ્થગિત કરવામાં આવી હતી, તેને હવે નિગમના ઇનહાઉસ સોફ્ટવેર દ્વારા અપગ્રેડ કરીને ફરીથી કાર્યરત કરવામાં આવી છે. આ સુવિધાથી ખાસ કરીને નોકરીયાત વર્ગ અને વિદ્યાર્થીઓ, જેઓ દૈનિક અપ-ડાઉન કરે છે, તેઓને મોટી રાહત મળશે.

આ નવી સિસ્ટમથી હવે મુસાફરો પોતાના પાસનું પેમેન્ટ ક્યુઆર (QR) કોડ સ્કેન કરીને ઓનલાઈન માધ્યમથી ખૂબ જ સરળતાથી કરી શકશે. લોકલ અને એક્સપ્રેસ બસોમાં મુસાફરી કરતા અંદાજે 2 લાખથી વધુ મુસાફરોએ હવે પાસ મેળવવા માટે બસ સ્ટેશનો પર લાંબી કતારોમાં ઊભા રહેવું નહીં પડે. મુસાફરો પોતાના મોબાઈલ દ્વારા ઘરે બેઠા પાસ માટે અરજી કરી શકશે અને પેમેન્ટ પૂર્ણ થયા બાદ તેમની નજીકના કોઈપણ બસ સ્ટેશન પરથી પાસની પ્રિન્ટ મેળવી શકશે.

આ સિસ્ટમ એસ.ટી. નિગમ દ્વારા પોતાના ઇનહાઉસ સોફ્ટવેર દ્વારા તૈયાર કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં ટેકનિકલ ખામીઓનું નિવારણ ઝડપથી આવી શકે. અગાઉ આ સેવા બંધ થવાને કારણે મુસાફરોને મેન્યુઅલ પદ્ધતિથી પાસ કઢાવવામાં મુશ્કેલી પડતી હતી, પરંતુ હવે ટેકનોલોજીના ઉપયોગથી આખી પ્રક્રિયા વધુ પારદર્શક અને ઝડપી બની છે. મુસાફરો હવે કોઈપણ ખચકાટ વગર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને પોતાની સફરને વધુ સુખદ બનાવી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *