પૂર્વ અગ્નિવીરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પૂર્વ અગ્નિવીરોને ગુજરાત પોલીસમાં કોઈ પણ પરીક્ષા વિના નોકરી મળશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં આ અંગે મોટી જાહેરાત કરી છે.
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 9 ઓક્ટોબર, 2026ના રોજ જાહેર કરાયેલા સુધારા નિયમો મુજબ, નિર્ધારિત ગણવેશધારી જગ્યાઓ પર સીધી ભરતી દરમિયાન પૂર્વ અગ્નિવીરોને હવે લેખિત પરીક્ષામાંથી પણ મુક્તિ આપવામાં આવશે. અગાઉ તેમને શારીરિક કાર્યક્ષમતા કસોટીમાંથી મુક્તિ આપવામાં આવી હતી. હવે બંને પરીક્ષામાંથી મુક્તિ મળતાં પોલીસમાં નોકરી મેળવવા ઇચ્છતા ભૂતપૂર્વ અગ્નિવીરો માટે ભરતી પ્રક્રિયા સરળ બનશે.
નવા સુધારા મુજબ મૂળ ભરતી નિયમોમાં નિયમ 5 પછી નિયમ 5A ઉમેરવામાં આવ્યો છે. આ જોગવાઈ સરકારી ગેઝેટમાં પ્રકાશિત થયાની તારીખથી અમલમાં આવશે. જોકે, આ મુક્તિ નિર્ધારિત જગ્યાઓ અને લાગુ પડતી ભરતીની શરતોને આધીન રહેશે.
સુરતમાં આ અંગે જાહેરાત કરતાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, દેશની સરહદો પર કઠિન પરિસ્થિતિઓમાં ફરજ બજાવી ચૂકેલા અગ્નિવીરોના અનુભવનો લાભ ગુજરાત પોલીસને મળશે. આ યુવાનો પોલીસ બેડા સાથે ખભેખભો મિલાવીને રાજ્યની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ બનશે.
સુરતમાં આ અંગે જાહેરાત કરતાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, દેશની સરહદો પર કઠિન પરિસ્થિતિઓમાં ફરજ બજાવી ચૂકેલા અગ્નિવીરોના અનુભવનો લાભ ગુજરાત પોલીસને મળશે.
પૂર્વ અગ્નિવીરોને કયા પદો પર મળશે નોકરી?
હથિયારી PSI
હથિયારી કોન્સ્ટેબલ
SRPF કોન્સ્ટેબલ
જેલર
જેલ સિપાહી
નોંધનીય છે કે, રાજ્ય સરકારે 17 જુલાઈ, 2026ના રોજ જાહેર કરેલા મૂળ નિયમોમાં પૂર્વ અગ્નિવીરો માટે 20 ટકા અનામતની જોગવાઈ કરી હતી. આ ઉપરાંત, મહત્તમ વયમર્યાદામાં સામાન્ય રીતે ત્રણ વર્ષની છૂટછાટ અને અગ્નિવીરોની પ્રથમ બેચના ઉમેદવારો માટે પાંચ વર્ષની છૂટછાટની જોગવાઈ પણ કરવામાં આવી છે. નવા સુધારામાં આ વયમર્યાદાની છૂટછાટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
