ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે આવેલ હરસિદ્ધ પાર્કમાં રહેતા 24 વર્ષીય યુવાને મોડી રાત્રિના સમયે ઝેરી દવા ગળી લેતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રીબડા રેલવે સ્ટેશન સામે રહેતા સાગરભાઇ નંદલાલભાઈ પોપલીયા (ઉ.વ. 24) નામના યુવાને ગત રાત્રિના આશરે એક વાગ્યાના અરસામાં પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. યુવાનની હાલત લથડતા પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક અસરથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની ટૂંકી સારવાર ચાલી રહી છે.
ઘટનાની પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે. સાગરભાઈ ખાનગી કંપનીમાં કામ કરે છે અને તેમને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. જાણવા મળ્યું છે કે આ યુગલે લગ્ન માટે કોર્ટમાં જરૂૂરી કાગળો અને દસ્તાવેજો પણ તૈયાર કરી લીધા હતા. જોકે, આ બાબતની જાણ યુવતીના પરિવારજનોને થઈ જતા મામલો બિચક્યો હતો.
યુવતીના પરિવારે દરમિયાનગીરી કરી યુવતીને પોતાની સાથે લઈ ગયા હતા. આ આઘાત સહન ન થતા અથવા તો વિરહના કારણે યુવાને અંતિમ પગલું ભર્યું હોવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. હાલમાં સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફ દ્વારા આ અંગેની નોંધ કરી ગોંડલ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસ દ્વારા યુવાનનું નિવેદન લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જેથી આત્મહત્યાના પ્રયાસ પાછળનું સાચું કારણ અને જવાબદાર પરિબળો સ્પષ્ટ થઈ શકે.
