ગોંડલમાં વોરા કોટડા રોડ ઉપર આવેલી સબ જેલ નજીક અને આવાસ યોજના સામે જ પાલીકા તંત્ર કચરાના ગંજ ખડકી રોગચાળો ફેલાયું હોવાની લોક ફરીયાદો ઉઠી છે.
શહેરના વોરા કોટડા રોડ ઉપર સબ જેલ નજીક અને સરકારી આવાસ યોજના સામે આવેલી જગ્યામાં પાલીકા દ્વારા કચરો એકઠો કરવામાં આવે છે. જે જગ્યામાં શહેરનો કચરો એકઠો કરાય છે. એની પાછળ જ સબ જેલ છે. આ જગ્યા સામે જ સરકારી આવાસ યોજના છે. જેમાં રહેલા કેદીઓ અને આવાસ યોજનામાં રહેતા સામાન્ય પરિવારનાં હજારો લોકોના આરોગ્ય ઉપર જોખમ ઉભુ થઇ રહ્યું છે. પાલીકા જે જગ્યાએ કચરો ભેગો કરે છે એ જગ્યામાં પાલીકા એ કચરા ટ્રાન્ઝીસ્ટ પોઇન્ટ છે પણ ત્યાંથી કચરાનું પ્રોસેસીંગ કરાતું નથી ત્યાંથી કચરો દુર કરાતો નથી.
સરકાર પ્રજાની સુખાકારી માટે પાલીકા કે સ્થાનીક તંત્રને લાખો કરોડો રૂપીયા ફાળવે છે. પણ નાણાની ફાળવણી ત્યાં પછી પુરતી સુવિધાઓ ઉભી કરવામાં આવતી નથી કે તેનો પુરતો ઉપયોગ કરાતો નથી તેનો આ નમુનો કહી શકાય. હાલમાં જેલના કેદીઓ અને આવાસ યોજનામાં વસનારા સામાન્ય નાગરિકોના આરોગ્ય ઉપર જોખમ ઉભુ થઇ રહ્યું હોય કચરાના ગંજ દુર કરવા લોકમાંગ ઉઠી છે.
શહેરમાં સફાઇ કામમાં ઠાગાઠૈયા
શહેરમાં કેટલાક સમયથી સફાઇ કામગીરી કરાવવામાં તંત્ર દ્વારા ઠાગાઠૈયા થઇ રહ્યા હોવાની ફરીયાદ ઉઠી છે. અગાઉ નિયમિત રીતે કચરો ઉપાડવામાં આવતો હતો અને વધુ કચરાગાડી અને સફાઇ કામદારો સાથે સફાઇ કામગીરી થતી હતી પણ હવે સફાઇ માટે પુરતા કામદારો કે વાહનોનો ઉપયોગ થતો ન હોય તેમ કચરા ગાડી કે સફાઇ કર્મચારીઓ સફાઇ માટે ડોકાતા નથી તેવી લોક ફરીયાદ ઉઠી છે.