શહેરના એરપોર્ટ રોડ પર આવેલી આરાધના સોસાયટીમાં રહેતા અને સોની બજારમાં પેઢી ધરાવતા 42 વર્ષીય સોની વેપારીએ આજે સવારે પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.મળતી માહિતી મુજબ, આરાધના સોસાયટીમાં રહેતા સુનિલભાઈ જગદીશચંદ્ર પારેખ (સોની) (ઉં.વ. 42) એ આજે સવારે પોતાના ઘરે ઘઉંમાં નાખવાની ઝેરી દવા (ટીકડા) ગળી લીધા હતા. આ બાબતની જાણ પરિવારજનોને થતા જ તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ટૂંકી સારવાર દરમિયાન ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
મૃતક સુનિલભાઈ સોની બજારમાં ’ગુણવંતરાય જગદીશચંદ્ર બ્રધર્સ’ નામની પેઢી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પારિવારિક વિગતો મુજબ, અગાઉ તેમના પ્રથમ પત્ની સાથે છૂટાછેડા થયા હતા, જેમના થકી તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. હજુ ત્રણ મહિના પહેલા જ સુનિલભાઈના બીજા લગ્ન થયા હતા.
વધુમાં જાણવા મળ્યું છે કે, તાજેતરમાં જ તેઓ દિવાળીના તહેવાર નિમિત્તે આઠ દિવસ માટે બહારગામ ફરવા પણ ગયા હતા. સુખી દેખાતા પરિવારમાં અચાનક બનેલી આ ઘટનાથી સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે. સુનિલભાઈએ આર્થિક ભીંસના કારણે આ અંતિમ પગલું ભર્યું છે કે પછી અન્ય કોઈ ઘરેલુ કે અંગત કારણ જવાબદાર છે, તે દિશામાં પોલીસે પરિવારજનોના નિવેદનો નોંધી વધુ તપાસ શરૂૂ કરી છે.
