દશેરાએ સોનાની ચમક ઝાંખી પડી, વેચાણ 40 ટકા ઘટ્યું

વિજયાદશમી (દશેરા)ના શુકનવંતા પર્વે સોના અને ઘરેણાંની ખરીદી કરવાની પરંપરા પર આ વર્ષે આસમાને પહોંચેલા સોનાના ભાવોએ પાણી ફેરવી દીધું છે. ગુજરાતભરમાં દશેરાના દિવસે સોનાના…

વિજયાદશમી (દશેરા)ના શુકનવંતા પર્વે સોના અને ઘરેણાંની ખરીદી કરવાની પરંપરા પર આ વર્ષે આસમાને પહોંચેલા સોનાના ભાવોએ પાણી ફેરવી દીધું છે. ગુજરાતભરમાં દશેરાના દિવસે સોનાના દાગીના અને સિક્કાના વેચાણમાં વાર્ષિક ધોરણે અંદાજે 40% નો જંગી ઘટાડો નોંધાયો છે.

બજારના સૂત્રોના જણાવ્યા મુજબ, સમગ્ર રાજ્યમાં આ વર્ષે છૂટક સોનાનું વેચાણ ઘટીને માત્ર 100 થી 120 કિલોગ્રામની આસપાસ જ સીમિત રહ્યું છે. પ્રતિ 10 ગ્રામ સોનાના વિક્રમી સ્તરે પહોંચેલા ભાવો અને સામાન્ય નાગરિકોની ઘટેલી ખરીદશક્તિને લીધે તહેવારોની ખરીદીમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાંથી આવતી ઘરાકીમાં ભારે સુસ્તી જોવા મળી હતી. ખેતીની આવકમાં ઘટાડો અને તાજેતરમાં પાકને થયેલા નુકસાનના કારણે ગ્રામીણ ખરીદદારો બજારમાંથી લગભગ ગાયબ રહ્યા હતા, જેની સીધી અસર જ્વેલરી માર્કેટ પર પડી છે. અમદાવાદ સહિત રાજ્યના મુખ્ય જ્વેલરી હબ ગણાતા શહેરોના શોરૂૂમ્સમાં ગ્રાહકોની પાંખી હાજરી વચ્ચે વેપારીઓએ મિશ્ર વલણ નોંધાવ્યું હતું. ઊંચા ભાવને કારણે મોટા ભાગના લોકોએ મોંઘા દાગીના કે મોટા રોકાણ કરવાને બદલે માત્ર તહેવારનું શુકન સાચવવા પૂરતી 1 ગ્રામ કે અડધા ગ્રામ જેવી નહિવત ખરીદી કરીને સંતોષ માન્યો હતો.

અમદાવાદના જ્વેલર મનોજ સોનીના જણાવ્યા અનુસાર, લોકોએ લગ્નગાળાના દાગીના અને હળવા વજનના આભૂષણો ખરીદ્યા હતા તેમજ રિપેરિંગ કામ કરાવ્યું હતું, પરંતુ એડવાન્સ પ્રી-ઓર્ડર ખૂબ જ મર્યાદિત રહ્યા હતા. સૌથી નોંધપાત્ર બાબત એ રહી કે આ દશેરાએ કુલ ટ્રાન્ઝેક્શનમાં 80% થી 85% વ્યવહારો ગોલ્ડ એક્સચેન્જ (જૂનું સોનું આપીને નવું લેવું) આધારિત રહ્યા હતા. ઉદ્યોગના અંદાજ મુજબ કુલ વેચાણમાં 80% હિસ્સો દાગીનાનો રહ્યો હતો, જ્યારે બાકીના 20% માં સોનાના સિક્કા અને લગડીઓનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત ગ્રાહકો રોકડ વ્યવહારને બદલે યુપીઆઈ, ક્રેડિટ-ડેબિટ કાર્ડ અને નેટ બેંકિંગ જેવા ડિજિટલ પેમેન્ટ તરફ વધુ વળ્યા હતા.

સોનાના ઊંચા ભાવો વચ્ચે ગ્રાહકો હવે ઓછા કેરેટ અને હળવા વજનની જ્વેલરી તરફ આકર્ષાઈ રહ્યા છે. જ્વેલર્સ એસોસિએશન ઓફ અમદાવાદ ના જોઈન્ટ સેક્રેટરી આશિષ ઝવેરીએ જણાવ્યું હતું કે 9 કેરેટ અને 14 કેરેટ જેવા લાઇટવેઇટ દાગીનાની માંગ ધીમે ધીમે વધી રહી છે. બીજી તરફ, દિવાળી અને પૂજન માટે ભગવાન ગણેશ અને લક્ષ્મીજીની મૂર્તિઓ તથા ડેઈલી-વેરથી લઈને હેવી સેટ્સ ઉપલબ્ધ હોવાથી ચાંદીની માંગ પ્રમાણમાં સ્થિર અને મજબૂત રહી હતી. આગામી લગ્નગાળો શરૂૂ થતાં પહેલાં જો ભાવોમાં થોડી સ્થિરતા કે ઘટાડો નહીં આવે, તો દિવાળીના તહેવારોમાં પણ વેપાર મંદ રહેવાની ચિંતા સોની બજારમાં પ્રવર્તી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *