સપ્તાહના પ્રથમ દિવસે સોનામાં 1150 અને ચાંદીમાં 2750 રૂા.નો વધારો
ડોલરની સામે રૂપિયો વધુ ગગડયો: ડોલરનો ભાવ 90.65 પર પહોંચ્યો
સપ્તાહના પ્રથમ દિવસે ફરી સોના-ચાંદીના ભાવમાન વધારો જોવા મળ્યો છે. યુ.એસ. ટ્રેડ રેટ કટ થયા બાદ સોના-ચાંદીમાં મજબુતીનું વલણ આજે પણ જોવા મળ્યું હતું. આજે સોનામાં 1150 રૂા. અને ચાંદીમાં 2750 રૂા.નો વધારો નોંધાયો છે.
છેલ્લા કેટલાક દિવસથી સોના-ચાંદીમાં મજબુતાઇ આસમાને પહોંચી છે. યુ.એસ.ના વલણ તેમજ સેન્ટ્રલ બેંકની નવી ખરીદીના પગલે તેમજ સોનુ અને ચાંદી હવે ખરા અર્થમાં રોકાણ માટે ‘સેઇફ હેવન’ માનવામાં આવી રહ્યું છે. જેના પગલે એશીયાઇ દેશોમાં રીટેલ લોકોનું રોકાણ પણ સોના ચાંદીમાં વધ્યું છે. ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ ટેકનોલોજીમાં પણ ચાંદીનો ઉપયોગ 200 ટકા વધ્યો છે ત્યારે ચાંદીના ભાવ તો એક વર્ષમાં બમણા થઇ ગયા છે. જેના પગલે ગત સપ્તાહમાં જ ચાંદી બે લાખને પાર થઇ હતી.
બીજી બાજુ સોનામાં દિવાળીએ આગઝરતી તેજી જોવા મળી હતી. પરંતુ એ સમયના ઉચ્ચતમ ભાવને પણ હવે સોનુ ઓળંગી ગયું છે. આજે એમસીએકસમાન સોનું 134810 પર પહોંચ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ 25 ડોલર વધ્યું છે. અત્યારે સોનુ 4327 ડોલર પર પહોંચ્યું છે. જયાં સુધી રાજકોટની બજારની વાત કરીએ તો સોનું ઓલ ટાઇમ હાઇ 137500 પર પહોંચ્યું છે.
ચાંદીનો આંતરરાષ્ટ્રીય ભાવ 62.60 ડોલર પ્રતિ ઔંસ પહોંચ્યો છે. એમસીએકસમાં ચાંદીનો ભાવ 195610 જોવા મળી રહ્યો છે. જયારે રાજકોટમાં ચાંદીનો ભાવ કિલો દીઠ રૂા.198395 પર પહોંચ્યો છે.
રૂપીયા આજે પણ ગગડયો છે અને ડોલરનો ભાવ ભારતીય ચલણ સામે 90.65 થયો છે. બીજી બાજુ શેર બજારમાં સતત તેજી બાદ આજે વેચવાલી જોવા મળી છે. સેન્સેકસ 270 પોઇન્ટ અને નીફટી 90 પોઇન્ટ નીચે જોવા મળી રહ્યો છે. દરમિયાન આજે કોરોના રેમેડીઝનો આઇપીઓનું ધમાકેદાર લીસ્ટીંગ થયું હતું. આ શેરનો ભાવ આજે 375 રૂપિયા વધનીે 1445 પર જોવા મળી રહ્યો છે.
