હોમગાર્ડસને પોલીસ સમાન ન્યુનતમ ભથ્થું આપો: HC

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને મોટો ઝટકો આપ્યો છે. હોમગાર્ડ્સના દૈનિક ભથ્થાને વધારીને પોલીસ કર્મચારીઓના ન્યૂનતમ પગાર (મિનિમમ પે) સમાન કરવાનો આદેશ આપ્યો છે. હાલમાં હોમગાર્ડ્સને…

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને મોટો ઝટકો આપ્યો છે. હોમગાર્ડ્સના દૈનિક ભથ્થાને વધારીને પોલીસ કર્મચારીઓના ન્યૂનતમ પગાર (મિનિમમ પે) સમાન કરવાનો આદેશ આપ્યો છે. હાલમાં હોમગાર્ડ્સને રૂૂ. 450 દૈનિક ભથ્થું મળે છે, જે પોલીસ કોન્સ્ટેબલના ન્યૂનતમ માસિક પગારની તુલનામાં ખૂબ ઓછું છે. જસ્ટિસ મૌલિક જે. શેલાટે આ આદેશ આપતાં કહ્યું કે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટના નિર્ણય અને કેન્દ્ર સરકારના નિર્દેશોને અવગણી શકે નહીં.

રાજેશભાઈ મહેશભાઈ જાની અને અન્ય હોમગાર્ડ્સ દ્વારા દાખલ કરાયેલી પિટિશન (સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નં. 9072/2020)માં મુખ્ય માંગણી હતી કે તેમના દૈનિક ભથ્થાને પોલીસના ન્યૂનતમ પગાર (બેઝિક પે + ગ્રેડ પે + ડીએ + વોશિંગ એલાઉન્સ) સમાન કરવામાં આવે. પિટિશનર્સના વકીલ યુ.ટી. મિશ્રાએ કોર્ટને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે 2015માં ગ્રાહક રક્ષક હોમગાર્ડ્સ વેલ્ફેર એસોસિએશન વિ. હિમાચલ પ્રદેશ કેસમાં સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે 30 દિવસના ભથ્થાનો સરવાળો પોલીસના ન્યૂનતમ પગાર જેટલો હોવો જોઈએ. કેન્દ્ર સરકારે 2020માં તમામ રાજ્યોને આ નિર્ણય અમલમાં મૂકવા સૂચના આપી હતી.

રાજ્ય સરકાર તરફથી એડિશનલ ગવર્નમેન્ટ પ્લીડર ધ્રુતિ પંડ્યાએ જણાવ્યું હતું કે 2017માં રૂા. 200થી રૂા. 300 અને 2022માં રૂૂા.450 સુધી ભથ્થું વધારવામાં આવ્યું છે. આ ઉપરાંત મેસિંગ એલાઉન્સ રૂા. 200 અને અન્ય સુવિધાઓ પણ આપવામાં આવે છે. પરંતુ કોર્ટે આ દલીલો નકારી કાઢી. જજ શેલાટે નોંધ્યું કે પોલીસ કોન્સ્ટેબલનો હાલનો ન્યૂનતમ માસિક પગાર રૂા. 21,000થી રૂા. 25,000ની આસપાસ છે, જ્યારે હોમગાર્ડ્સને રૂા. 450 દૈનિક મળે છે જે અપૂરતું છે. મેસિંગ એલાઉન્સની વાત પણ પુરવાર થઈ નથી.

કોર્ટે રાજ્યના અભિગમને અન્યાયી અને આર્ટિકલ 14નું ઉલ્લંઘન ગણાવ્યું. સુપ્રીમ કોર્ટના રિવ્યુ પિટિશન નકારાઈ ગયા બાદ પણ રાજ્યે ભથ્થું ન વધારવું એ તાનાશાહી જેવું છે એમ કહીને કોર્ટે યુનિયન ઓફ ઈન્ડિયા વિ. ઈન્ટરનેશનલ ટ્રેડિંગ કંપની (2003) કેસનો હવાલો આપ્યો.

આદેશ અનુસાર, રાજ્ય સરકારે એક મહિનામાં હોમગાર્ડ્સના દૈનિક ભથ્થાને પોલીસના વર્તમાન ન્યૂનતમ પગાર સમાન કરવાનો નિર્ણય લેવો પડશે. આ નિર્ણયથી ગુજરાતના હજારો હોમગાર્ડ્સને રાહત મળશે અને તેમની સેવાઓને યોગ્ય માન્યતા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *