ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં જામનગરના ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ગર્ભ સંસ્કાર – ગર્ભવિજ્ઞાન પ્રશિક્ષણ દીક્ષાંત સમારોહ અને રાષ્ટ્રીય સંગોષ્ઠિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ભારતની વૈદિક જ્ઞાન પરંપરા, ઋષિ-મુનિઓનું સંશોધન અને પ્રાચીન શાસ્ત્રો માનવજાતના સર્વાંગી વિકાસ માટેનો અમૂલ્ય વારસો છે. વેદ, ઉપનિષદ, ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત તેમજ અન્ય ગ્રંથોમાં સમાયેલ જ્ઞાન આજે પણ વૈજ્ઞાનિક દૃષ્ટિએ પ્રાસંગિક અને માર્ગદર્શક છે. આધુનિક વિજ્ઞાન અને પ્રાચીન ભારતીય જ્ઞાન પરંપરાનો સમન્વય કરીને સંશોધન કરવામાં આવે તો સમગ્ર વિશ્વને નવી દિશા મળી શકે તેમ છે.
ભારતના ઋષિ-મુનિઓએ હજારો વર્ષો પહેલાં માનવજીવનને સુખી, સંસ્કારી અને સંતુલિત બનાવવા માટે વૈજ્ઞાનિક સિદ્ધાંતો પર આધારિત જીવનપદ્ધતિ વિકસાવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે માત્ર ભૌતિક વિકાસ જ પૂરતો નથી, પરંતુ સારા સંસ્કારો ધરાવતા, ચારિત્ર્યવાન અને જવાબદાર માનવનું નિર્માણ એ જ સાચો વિકાસ છે. ભારતીય સંસ્કૃતિમાં દર્શાવવામાં આવેલા સોળ સંસ્કારોનું મહત્વ સમજાવતાં તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રના ઉજ્જ્વળ ભવિષ્ય માટે આધુનિક પ્રગતિની સાથે મૂલ્યઆધારિત શિક્ષણ અને સંસ્કારનું સંવર્ધન અનિવાર્ય છે.
ગર્ભાધાન સંસ્કાર એ એક પવિત્ર સંસ્કાર છે, ભારતીય ઋષિ-મુનિઓએ ગર્ભસંસ્કારને રાષ્ટ્ર નિર્માણનો પાયો ગણાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે સંસ્કારી, ચારિત્ર્યવાન અને જવાબદાર સંતાનના ઘડતર માટે ગર્ભાધાનથી જ યોગ્ય વિચાર, સંસ્કાર અને મૂલ્યઆધારિત જીવનદૃષ્ટિનું સિંચન જરૂૂરી છે. ભારતીય સંસ્કૃતિમાં વર્ણવાયેલા ગર્ભાધાન, પુંસવન અને સીમંત સંસ્કાર જેવા સંસ્કારોનો હેતુ માત્ર સંતાનનો જન્મ નહીં, પરંતુ રાષ્ટ્રસેવા માટે સમર્પિત, સંસ્કારી અને સશક્ત નાગરિકનું નિર્માણ કરવાનો છે.
કૃષિ, પશુપાલન અને ટેકનોલોજી ક્ષેત્રે વિશ્વભરમાં થઈ રહેલા સતત સંશોધનો અંગે જણાવી રાજ્યપાલએ માનવના સર્વાંગી વિકાસ અને ઉત્તમ ચરિત્રના ઘડતર પર પણ ગંભીરતાપૂર્વક ધ્યાન આપવા પર ભાર મુક્યો હતો. તેમણે ઉમેર્યું કે માતા માત્ર પરિવાર માટે નહીં, પરંતુ રાષ્ટ્રના ઉજ્જ્વળ ભવિષ્યના નિર્માણ માટે જવાબદાર પેઢીનું ઘડતર કરે છે. તેથી ગર્ભાવસ્થા દરમિયાન સકારાત્મક વિચાર, સારા સંસ્કાર અને મૂલ્યનિષ્ઠ જીવનશૈલી અપનાવવી, એ રાષ્ટ્ર નિર્માણનું મહત્વપૂર્ણ સાધન છે.
આ કાર્યક્રમમાં શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે,રાજ્યપાલનું સમગ્ર જીવન પ્રાકૃતિક કૃષિ, પર્યાવરણ સંરક્ષણ, સ્વસ્થ જીવનશૈલી અને મૂલ્યઆધારિત સમાજના નિર્માણ માટે સમર્પિત રહ્યું છે. તેમના જીવનમૂલ્યો, કાર્યપદ્ધતિ અને લોકકલ્યાણ માટેની અવિરત સેવાઓ સમાજ માટે પ્રેરણાસ્ત્રોત અને અનુસરવા યોગ્ય આદર્શ છે. ભારતીય સંસ્કૃતિ, આયુર્વેદ, યોગ, ઉપનિષદ અને ગર્ભ સંસ્કાર જેવી પ્રાચીન જ્ઞાન પરંપરાઓને નવી પેઢી સુધી પહોંચાડવી એ સમયની માંગ છે. તેમણે જણાવ્યું હતું કે આધુનિક ટેકનોલોજી અને કૃત્રિમ બુદ્ધિમત્તાના યુગમાં પણ દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક પરંપરાને જાળવી રાખવી જરૂૂરી છે.
તેમણે મહિલાઓની સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં રહેલી મહત્વપૂર્ણ ભૂમિકાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે સંસ્કારી અને સ્વસ્થ પેઢીના ઘડતરમાં માતાની ભૂમિકા સર્વોપરી છે. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે વેદ સૂતિકા કીટ અને પ્રસૂતા કીટનું વિમોચન કરવામાં આવ્યું હતું તથા ગર્ભવિજ્ઞાન અને ગર્ભ સંસ્કારની ટ્રેનિંગ લીધેલા ડોક્ટર્સને રાજ્યપાલના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મેયર મોનિકા વ્યાસ, આઈટીઆરએ નિયામક પ્રોફેસર તનુજા નેસારી, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના કુલપતિ ટી.એસ.જોષી, ગૌ વિશ્વ વિદ્યાપીઠના કુલપતિ ડો.હિતેશ જાની, આયુર્વેદ વ્યાસપીઠના રાષ્ટ્રીય અધ્યક્ષ વૈદ્ય મલ્હાર જોશી, આયુર્વેદ યુનિવર્સિટીના વૈદ્યઓ તથા આયુર્વેદ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
